ઇમામ જાફરે સાદીક (અ. સ.) ફરમાવે છે કે
“જે કોઈ અમારા જદ્દ ઇમામ હુસૈન (અ. સ.)ની હકીકી માઅરેફત સાથે તેમના રોઝા મુબારકની ઝિયારત કરશે તો તેને રસુલે ખુદા(સ.અ.વ.)ની સાથે એક સો(100) હજ અદા કરવાનો સવાબ મળશે.”
આ રીવાયતમાં ઝાએરે ઈમામ હુસૈન (અ.સ.) માટે એક સો (100) હજનો સવાબ બયાન કરવામાં આવ્યો છે, આવા પ્રકારની બીજી ઘણી બધી રીવાય્તો છે જેમાં સૈયદુશ્શોહદા ઈમામ હુસૈન (અ.સ) ની પવિત્ર કબ્રની ઝિયારતનો સવાબ વીસ (20) અથવા એંશી (80) હજની બરાબર ઉલ્લેખિત છે.
આ રિવાયતોથી એ સ્પષ્ટ થાય છે કે માઅસુમીન(અ.મુ.સ.)ની ઝિયારતનો સવાબ હજ અદા કરવાના સવાબ કરતા ઘણોજ વધારે બયાન કરવામાં આવ્યો છે. ગૈર શિઆ લોકો કે જેઓ આ રીવાયતોના અર્થ અને તેના રહસ્યો તેમજ રીવાયતને સમજી ન શકવાના કારણે આવા પ્રકારની રીવાયતો અને હદીસોનો વિરોધ કરે છે. પરંતુ અફસોસની વાત એ છે કે આજે અમુક શિયા લોકો (વક્તાઓ) પણ આ ઝીયારતનો સવાબ હજ્જના સવાબ કરતા વધારે હોવા બાબતેની હકીકતને સમજી નથી શકતા પરિણામે તેઓ પણ આવી રિવાયતોનો ઇન્કાર કરી દે છે.
આ લેખમાં આપણે આ શંકાનો દલીલપૂર્વક જવાબ રજૂ કરીશું, જેથી આદરણીય વાચકો સારી રીતે સમજી શકે કે આખરે ઇમામ (અ.સ).ની કબ્રની ઝિયારત કરનાર માટે અનેક હજના સવાબ નક્કી કરવામાં આવ્યો છે તો તેની પાછળનું રહસ્ય અને હિકમત શું છે? આટલો મહાન સવાબ શા માટે નક્કી કરવામાં આવ્યો છે અને રિવાયતોમાં ઝિયારત માટે આટલો વિશાળ અજર શા માટે વર્ણવવામાં આવ્યો છે?
જવાબ તરફ આગળ વધીએ તે પહેલાં આ વાત સ્પષ્ટ કરી દેવી જરૂરી છે કે શરીઅતમાં વાજિબ અમલોનું પોતાનું વિશેષ મહત્વ છે. કોઈ વાજિબ અમલમાં રહેલી કમીને કોઈ મુસ્તહબ અમલની અદાયગીથી પૂરી કરી શકાતી નથી.
જો કોઈ સાહિબે ઇસ્તિતાઅત (સામર્થ્ય ધરાવનાર) વ્યક્તિ પર હજ વાજિબ થઈ ગઈ હોય, તો તેની તરફથી ઇમામ (અ.સ.)ની ઝિયારત કરવી એ વાજિબ હજ અદા ન કરવાની ભરપાઈ કરી શકશે નહીં. તેણે કોઈપણ સંજોગોમાં પોતાનો વાજિબ હજ અદા કરવો જ પડશે.
કોઈપણ રિવાયતમાં વાજિબ અમલની તુલના કોઈ મુસ્તહબ અમલ સાથે કરવામાં આવી નથી. તુલના હંમેશાં એક મુસ્તહબ અમલની બીજા મુસ્તહબ અમલ સાથે જ કરવામાં આવે છે. તેથી આ રિવાયતોમાં પણ ઝિયારતની તુલના મુસ્તહબ હજ સાથે કરવામાં આવી છે.
આ વાતની દલીલ ઇમામ અલી રઝા (અ.સ.)ની આ રિવાયત છે:
مَنْ زَارَ قَبْرَ الْحُسَیْنِ علیه السلام فَقَدْ حَجَّ وَ اعْتَمَرَ قَالَ قُلْتُ یَطْرَحُ عَنْهُ حِجَّةَ الْإِسْلَامِ قَالَ لَا هِیَ حِجَّةُ الضَّعِیفِ حَتَّی یَقْوَی وَ یَحُجَّ إِلَی بَیْتِ الله الْحَرَامِ
(કામેલુંઝઝીયારત, પેજ- ૧૫૯)
“જે વ્યક્તિ ઈમામ હુસૈન (અ.સ.) ની કબ્રની ઝિયારત કરે છે, તો જાણે તેણે હજ અને ઉમરા કર્યો હોય. રાવી કહે છે : મેં પૂછ્યું – તો શું આ ઝિયારત તેના પરથી હજ્જતુલ-ઇસ્લામ (વાજિબ હજ)ને પણ દૂર કરી દે છે? ઇમામ (અ.સ.)એ ફરમાવ્યું: ‘ના. આ તો નબળા/અસમર્થ વ્યક્તિનો હજ છે, ત્યાં સુધી કે તે શક્તિશાળી (સામર્થ્યવાન) બને અને અલ્લાહના હરમ (ઘર)ની તરફ હજ કરવા જાય.”
ટૂંકમાં અગર કહીએ તો વાજિબ હજની સરખામણીએ ઝિયારતને કોઈ અગ્રતા આપી શકાતી નથી, પરંતુ મુસ્તહબ હજની સરખામણીએ ઝિયારતને અગ્રતા આપવામાં આવી છે. તેથી જ્યારે પણ સરખામણી કરવામાં આવે છે ત્યારે તે બે મુસ્તહબ અમલો વચ્ચેની હોય છે. અલબત્ત, આ સરખામણી કરવી પણ જરૂરી નથી, બલ્કે અમલની મહત્વતા અને મહાનતાને સમજવા માટે છે.
હવે આપણે તે કારણો તરફ આગળ વધીએ જેના આધારે ઇમામ અ.સ.ની કબ્રની ઝિયારત કરવા પર હજ જેટલો અથવા અનેક હજનો સવાબ જણાવવામાં આવ્યો છે.
પ્રથમ કારણ :-
કોઈપણ અમલનો સવાબ અથવા બદલો માત્ર તે અમલના આધારે નક્કી થતો નથી, પરંતુ તે અમલ કરનાર વ્યક્તિની રુહાનિયત પર તે અમલની કેટલી અસર થાય છે તેના પર પણ આધાર રાખે છે.
આ રિવાયતોમાં ઝિયારતના અમલની તુલના હજના અમલ સાથે કરવામાં આવી છે, એવું માની લેવું તે એક ગેરસમજ છે. હકીકતમાં આ સરખામણી મોઅમીનની રૂહ પર હજથી ઉત્પન્ન થતી અસર અને ઝિયારતથી ઉત્પન્ન થતી અસર વચ્ચેની છે.
નિશ્ચિતપણે મોમીનની રૂહ પર અબા અબ્દિલ્લાહ અલ-હુસૈન (અ.સ.)ની કબ્રની ઝિયારત હજ કરતાં ઘણી વધારે અસર છોડે છે. એટલું જ નહીં, ઝિયારત કરનારને ઝિયારત દ્વારા જે રુહાની ખોરાક અને તાકાત પ્રાપ્ત થાય છે, તે માત્ર હજ અથવા ઉમરાહ કરનારને પ્રાપ્ત થતી નથી.
બીજુ કારણ:
યાદ રાખવું જોઈએ કે આ લેખમાં આપણે શિયા દૃષ્ટિકોણથી વાત કરી રહ્યા છીએ. આ વાતમાં કોઈ શંકા નથી કે તમામ શિયા અઈમ્મા (અ.મુ.સ.)ની પવિત્ર કબ્ર પર તે ઇમામની હાજરી અને નૂરાનિયતના કાએલ (માન્યતા ધરાવે) છે.
તેથી જ્યારે કોઈ મોઅમીન કોઈ ઇમામ (અ.સ.)ની ઝિયારત માટે જાય છે, ત્યારે તેને ચોક્કસપણે તે ઇમામની મેહમાનીનો શરફ પ્રાપ્ત થાય છે. તે માઅસૂમ ઇમામ (અ.સ.)ની નૂરાની બારગાહમાંથી તેની રૂહ ફૈઝયાબ થાય છે, જ્યારે હજ અથવા ઉમરામાં આવું પ્રમાણમાં ઓછું બને છે.
કારણ કે એક મોમીનની રૂહને ઇમામની નૂરાની બારગાહમાંથી જે બરકત પ્રાપ્ત થાય છે, તે અનેક હજમાંથી પ્રાપ્ત થતી બરકત જેટલી હોય છે, તેથી ઝિયારતનો સવાબ પણ એ જ પ્રમાણમાં વધારે થઈ જાય છે.
ત્રીજુ કારણ:
જો કે હજ વાજિબ છે, પરંતુ ઝિયારતનો અમલ પણ કુરઆને ફરજ પાડેલા ‘અદાએ અજ્રે રિસાલત’ એટલે કે રસૂલુલ્લાહ (સ.અ.વ.)ની રિસાલતના અજ્રની અદાયગીના જ એક ભાગ તરીકે આવે છે.
હકીકતમાં અઈમ્મા (અ.મુ.સ.)ની કબ્રોની ઝિયારત કરવી રસૂલે અકરમ (સ.અ.વ.) સાથે સિલએ રહેમી કરવા સમાન છે.
وَالَّذِينَ يَصِلُونَ مَا أَمَرَ اللَّهُ بِهِ أَنْ يُوصَلَ وَيَخْشَوْنَ رَبَّهُمْ وَيَخَافُونَ سُوءَ الْحِسَابِ
(સૂરે-રઅદ: 21)
“અને જેમની સાથે અલ્લાહે સંબંધ રાખવાનો હુકમ આપ્યો છે તેમની સાથે સંબંધ રાખે છે અને પોતાના હિસાબ- કિતાબથી અને સખ્તીથી ડરે છે….”
આ આયતની તફસીરમાં ઇમામ જાફર સાદિક (અ.સ.) ફરમાવે છે કે અહીં રસૂલુલ્લાહ (સ.અ.વ.) સાથે સિલએ રહેમી કરવાનો અર્થ છે. (
(તફસીર અલ-બુરહાન)
તેથી દરેક વ્યક્તિ જે કોઈ માઅસૂમ (અ.સ.)ની ઝિયારત માટે જાય છે, તે મોહબ્બત અને મવદ્દતના ઇઝહાર સાથે સાથે પયગંબરે ઇસ્લામ (સ.અ.વ.) સાથે સિલએ રહેમી કરવાનું ફર્ઝ પણ અદા કરે છે.
નિશ્ચિતપણે અજ્રે રિસાલત અદા કરવું હજ અદા કરવા કરતાં પણ મોટું ફર્ઝ છે.
ચોથું કારણ:
ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.) ફરમાવે છે:
تَمَامُ الْحَجِ لِقَاءُ الْإِمَامِ
“હજની પૂર્ણતા ઇમામની મુલાકાતથી થાય છે.”
(એલલુશ-શરાએઅ, ભાગ- 2, પાના 459)
આ હદીસને સમજવા માટે ઇમામ મોહમ્મદ બાકિર (અ.સ.)ના આ ફરમાન પર ધ્યાન આપવું જોઈએ:
نَظَرَ إِلَی النَّاسِ یَطُوفُونَ حَوْلَ الْکَعْبَةِ فَقَالَ هَکَذَا کَانُوا یَطُوفُونَ فِی الْجَاهِلِیَّةِ إِنَّمَا أُمِرُوا أَنْ یَطُوفُوا بِهَا ثُمَّ یَنْفِرُوا إِلَیْنَا فَیُعْلِمُونَا وَلَایَتَهُمْ وَ مَوَدَّتَهُمْ وَ یَعْرِضُوا عَلَیْنَا نُصْرَتَهُمْ ثُمَّ قَرَأَ هَذِهِ الْآیَةَ: (فَاجْعَلْ أَفْئِدَةً مِنَ النَّاسِ تَهْوِی إِلَیْهِمْ
એક વખત હજના મૌસમમાં ઇમામ મમોહમ્મદ બાકિર (અ.સ.)એ લોકોને કાબાની આસપાસ તવાફ કરતા જોયા તો ફરમાવ્યું:
“આ રીતે તો આ લોકો જમાનાએ જાહેલિય્યતમાં પણ તવાફ કરતા હતા. ઇસ્લામે તેમને હુકમ આપ્યો છે કે તેઓ કાબાનો તવાફ કર્યા પછી અમારી પાસે આવે, જેથી તેઓ અમારી સામે પોતાની વિલાયત અને મોહબ્બત રજૂ કરે અને અમારી નુસરત માટે તૈયાર રહે.”
પછી હઝરત (અ.સ.)એ આ આયતની તિલાવત ફરમાવી:
فَاجْعَلْ أَفْئِدَةً مِنَ النَّاسِ تَهْوِی إِلَیْهِمْ
“તેથી લોકોના દિલોને તેમની તરફ ઝુકાવી દે.”
(અલ-કાફી, જિલ્દ 1, પાના 392; તફસીર અલ-બુરહાન, જિલ્દ 3, પાના 313)
આ રિવાયતથી સંપૂર્ણપણે સ્પષ્ટ થાય છે કે હજની કબુલીય્યત માટે વિલાયતે એહલેબૈત (અ.મુ.સ.) એક મહત્વપૂર્ણ શરત છે.
માત્ર હજ જ નહીં, પરંતુ મોમીનની વિલાયત જેટલી મજબૂત હશે, તેના અમલનો સવાબ પણ એટલો જ વધારે હશે.
જ્યારે ઝિયારત એવો અમલ છે જે વિલાયતને મજબૂત બનાવે છે. ઝિયારતથી વિલાયતને તાકાત અને કુવ્વત મળે છે અને વિલાયતથી હજના સવાબમાં વધારો થાય છે. તેથી ઝિયારતનો સવાબ અનેક હજના બરાબર થઈ જાય છે.
અંતિમ કારણ :
અંતમાં આ વાત પણ નોંધપાત્ર છે કે હજના અરકાન હઝરત ઇબ્રાહિમ (અ.સ.), તેમની પત્ની અને તેમના પુત્ર ઇસ્માઇલ (અ.સ.)ના ઇખ્લાસની યાદ અપાવે છે, જેમાં એક મહત્વપૂર્ણ રુકન હઝરત ઇસ્માઇલ (અ.સ.)ની કુરબાની છે.
હજના કેટલાક અરકાન હઝરત ઇબ્રાહિમ (અ.સ.)ના ખ્વાબની તાબીર છે, જેમાં અલ્લાહના ફઝલ અને કરમથી એક નબીના પુત્રને ઝબ્હ થવાથી બચાવી લેવામાં આવ્યા હતા.
પરંતુ કરબલા એ જ કુરબાનીની હકીકત છે.
કુરઆનીએ શહાદતે હુસૈન (અ.સ.)ને ‘ઝિબ્હે અઝીમ’ના નામથી યાદ કરી છે, જે હઝરત ઇબ્રાહિમ (અ.સ.)ની કુરબાનીનો બદલો છે.
મિનાના મેદાનમાં એક નબીના પુત્રને બચાવી લેવામાં આવ્યો, જ્યારે મેદાને કરબલામાં મુરસલે આઅઝમ હઝરત મોહમ્મદ (સ.અ.વ.)ના નવાસાને ઝબ્હ કરવામાં આવ્યા અને સરઝમીને કરબલા તેઓ દફન થયા.
જે રીતે ઇમામ હુસૈન (અ.સ.)ની શહાદત હઝરત ઇબ્રાહિમ (અ.સ.) અને ઇસ્માઇલ (અ.સ.)ની કુરબાની કરતાં અનેક ગણી અફઝલ છે, એ જ રીતે કરબલાની ઝિયારત પણ હજ કરતાં અનેક ગણો વધારે સવાબ ધરાવે છે.
તવાફે કાબામેં મશગૂલ રેહ ગયે હાજી
બહૂત કરીબસે ગુઝરી નજાતકી કશ્તી.
ઇમામ હુસૈન (અ.સ.)એ મક્કામાં હજને છોડી અને કરબલા તરફ આગળ વધ્યા અને કરબલામાં જ વસી ગયા.
Be the first to comment