અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.)ની સાથે છે-મુસલમાનો માટે સબક પ્રસ્તાવના

વાંચવાનો સમય: 7 મિનિટ

મશ્હુર હદીસ ‘અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.)ની સાથે છે’ મુસલમાનો દરમ્યાન વિવાદના દરેક મુદ્દા સામે સ્પષ્ટ અને નિર્ણાયક દલીલ છે. આપણે ફકત એટલું જ જોવાનું છે કે અમીરૂલ મોઅમેનીન અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) કયા ઉભા રહે છે અને આપણને તરતજ હક્ક ખબર પડી જશે. ન ખતમ થનાર વાર્તાલાપમાં દાખલ થવાની જરૂરત જ નથી કેમકે હદીસ સ્પષ્ટપણે કહી રહી છે કે અલી (અ.સ.) હક્ક અને કુરઆને કરીમની સાથે છે.

જવાબ

1) ખિલાફત

2) ફદક

3) સહાબીઓ અને પત્નિઓ સામે જંગ

4) અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને બદનામ કરવા ખોટી હદીસો

તેથી અગર મુસલમાનોને ઈસ્લામી સમુદાયના બળતા મુદ્દાઓ જેમકે ખિલાફત, ફદક અને ત્રણ જંગો-જંગે જમલ, જંગે સીફફીન અને જંગે નહેરવાનની સચ્ચાઈ જાણવી હોય તો તેઓએ જોવું જોઈએ કે અલી (અ.સ.) કઈ બાજુ હતા.

(ખિલાફત:

અમુક મુસલમાનો એવી દલીલ કરે છે કે અલી (અ.સ.) એ પોતાની ખિલાફતની માંગણી એટલા માટે નથી કરી કારણકે તેઓ (નઉઝોબીલ્લાહ) તેના લાયક ન હતા અથવા તો ઉમ્મતના ઈત્તેહાદ માટે. તેઓ એવી પણ દલીલ કરે છે કે અગર આપ (અ.સ.) હક્ક ઉપર હોત તો આપ (અ.સ.) એ પોતાનો હક્ક માંગ્યો હોત.

આ દલીલ અર્થહીન છે કારણકે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની શહાદતના થોડાજ મહિનાઓ પહેલા ગદીરમાં તમામ મુસલમાન મર્દો તથા ઔરતો માટે તેમની નિમણુંક હાકીમ (મૌલા) તરીકે કરી દીધી હતી. રસુલે ખુદા (સ.અ.વ.)ના એલાન પછી અલગથી કોઈ દલીલ કે માંગણી કરવાની જરૂર રહેતી નથી. આ એવું છે કે જાણે નબી આદમ (અ.સ.) ઈબ્લીસને સજદાની દઅવત આપે જ્યારે કે ખુદ અલ્લાહ (ત.વ.ત.) એ સ્પષ્ટ હુકમ આપી દીધો હતો. કોઈ એવી દલીલ નથી કરતું કે આદમ (અ.સ.) એ વ્યકિતગત રીતે ઈબ્લીસને સજદાની દઅવત આપવી જોઈતી હતી.

ગદીરના એલાન પછી અને સ્પષ્ટ હદીસો જેમકે ‘અલી (અ.સ.) હક્ક સાથે છે…’ અલી (અ.સ.) માટે એ જરૂરી ન હતું કે લોકોને પોતાના હક્ક તરફ બોલાવે. તેમ છતાં આપ (અ.સ.) એ લોકોને બોલાવ્યા. આ ફકત યાદદેહાની માટે અને લોકો સમક્ષ હુજ્જત પુરી કરવા પુરતું હતું જેથી કયામતના દિવસે તેઓ પાસે કોઈ લીલ બાકી ન રહે.

ઈતિહાસ ગવાહ છે કે અલી (અ.સ.) આ હદીસ ‘અલી (અ.સ.) હક્ક સાથે છે…’ પોતાના ખિલાફતના હક્ક માટે રજુ કરી.

ઉમરના મૃત્યુથી શુરા (કમીટી) ના રૂપમાં તેનું એક બીજું સૌથી કુખ્યાત બીદ્દત જાહેર થઇ જેમાં  અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) અને તેમના વિરોધીઓ જેમકે તલ્હા, ઝુબૈર, સાઅદ બીન અબી વક્કાસ, અબ્દુલ રહમાન બીન ઔફ અને બની ઉમય્યાના પ્રતિનિધિ ઉસ્માન બીન અફફાન હાજર હતા .

આ કમીટીમાં, બધા સભ્યોની હાજરીમાં અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)એ પડકાર કર્યો:

اَنشَدکُمُ اللہ! اَتَعلَمُونَ اَنَّ رَسُولَ اللہِ قَالَ: اَلحَقُّ مَعَ عَلِیٍّ وَ عَلِیٌّ مَعَ الحَقِّ یَدُورُ الحَقَّ مَعَ عَلِیٍّ کَیفَمَا دَارَ

‘હું અલ્લાહ ખાતર તમોને પુછું છું. શું તમે લોકો નથી જાણતા કે રસુલુલ્લાહ (સ.અ.વ.) એ ફરમાવ્યું છે: હક્ક અલી (અ.સ.) સાથે છે અને અલી (અ.સ.) હક્કની સાથે છે, અલી (અ.સ.) ગમે તે દિશામાં ફરે હક્ક પણ તેમની સાથે ફરે છે.

બધાએ કબુલ કર્યું કે તેઓએ આ વાત રસુલુલ્લાહ (સ.અ.વ.) પાસેથી સાંભળી હતી.

(મનાકીબ અલ ખ્વારઝમી, પા. 217)

(ફદક:

ઈતિહાસ ગવાહ છે કે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની વફાત પછી હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) કે જે રસુલુલ્લાહ (સ.અ.વ.)ના ચહીતા પુત્રી હતા અને અબુબક્ર કે જેણે રસુલુલ્લાહ (સ.અ.વ.)ની ખિલાફત છીનવી લીધી હતી, વચ્ચે વારસાના વિષય ઉપર વિવાદ વકર્યો હતો.

હઝરત ફાતેમા ઝહરા (સ.અ.) પોતે હક્કના શ્રેષ્ઠ ઉદાહરણ, પાકીઝા અને ખુદ ઈસ્લામ હોવા છતાં પણ આપ (સ.અ.) પાસે ફદકની માંગણી માટે ગવાહો માંગવામાં આવ્યા, જાણે કે (નઉઝોબીલ્લાહ) આપ (સ.અ.) જુઠા હોય.

આ ખુદ અન્યાય છે. પરંતુ આની કરતા પણ વધુ ખરાબ સ્થિતિ એ હકીકત છે કે જ્યારે આપ (સ.અ.)એ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને ગવાહ તરીકે રજુ કર્યા તો એમ કહી રદ કરવામાં આવ્યા કે અલી (અ.સ.) તેમના શોહર છે અને તેથી તેઓ રસ ધરાવતા (ફ્દ્ક બાબતે) પક્ષકાર છે. જ્યારે કે રસુલે ખુદા (સ.અ.વ.)ની સ્પષ્ટ હદીસ છે કે ‘અલી (અ.સ.) હક્ક સાથે છે…’ ઝમીન ઉપર એવી કોઈ દલીલ નથી કે અલી (અ.સ.) ની ગવાહીને રદ કરે ભલે પછી સમગ્ર કાએનાત તેમનો મુન્કીર કેમ ન હોય.

(વિસ્તૃત હદીસ માટે જુઓ અલ્લામા હીલ્લી (ર.અ.)ની કશ્ફુલ યકીન, પા. 161)

(3) સહાબીઓ અને પત્નિઓ સામે જંગ

અમીરૂલ મોઅમેનીન (અ.સ.) સામેના આક્ષેપોમાંથી એક આક્ષેપ એ છે કે આપ (અ.સ.) ત્રણ જંગોમાં મુબ્તલા થયા અને ઉમ્મતમાં ભાગલા પાડયા અને ઘણા મુસલમાનોનું ખૂન વહાવ્યું.

આ આક્ષેપ હાસ્યસ્પદ છે અને અલી (અ.સ.) પ્રત્યેની દુશ્મનાવટને જાહેર કરે છે. આ આક્ષેપને બે મુદ્દાથી રદ કરી શકાય છે.

પહેલું: જેઓએ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે જંગ કરી ખાસ કરીને પત્નિઓ અને સહાબીઓની મઝીમ્મત થવી જોઈએ કે જેઓએ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)-ઝમાનાના ખલીફાની સામે હથીયાર ઉપાડયા.

એહલે સુન્નતની કિતાબો એવી હદીસોથી ભરી પડી છે કે જેમાં મુસલમાનોને ખલીફાની નાફરમાની કરવાથી ચેતવ્યા છે. ઉમ્મતના ખલીફાની વાત તો દૂરની છે, હદીસો તો જમાત નમાઝના ઈમામની આગળ વધી જવાને પણ હરામ કહે છે.

એ મુસલમાન કે જેઓ ખલીફાની નાફરમાની કરે છે તે મુસલમાન પણ નથી પછી ભલેને તેઓ પત્નિ હોય કે સહાબી. આ વાત  બીજી હદીસોથી સ્પષ્ટ થાય છે:

ઈબ્ને અબ્બાસ રસુલે ખુદા (સ.અ.વ.)થી નકલ કરે છે કે: ‘જે કોઈ પોતાના હાકીમમાં કોઈ એવી વસ્તુ જોવે જેને તે માન્ય રાખતો ન હોય તો તેણે સબ્ર સાથે સહન કરવું જોઈએ, તે કે જે થોડું અંતર પણ  જમાત (મુસ્લિમ સમાજ) થી હટે છે, કાફીરની મૌત મરે છે.’ (સહીહ બુખારી)

બીજી એક હદીસમાં આ શબ્દો આવ્યા છે ‘તેણે ઈસ્લામનો ખુણો પોતાની ગરદનમાંથી કાઢી નાખ્યો છે.’ એટલે કે તેણે ઈસ્લામની બયઅતને તોડી નાખી.

(મુસ્નદે અહેમદ)

તેથી, અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) ઉપર આરોપ મુકવો ઘૃણાસ્પદ છે. અલબત્ત વાંક પત્નિઓ અને સહાબીઓનો છે. જ્યારે કે મુસલમાનો એક અન્યાયી ઈમામનો વિરોધ નથી કરી શકતા તો પછી એવા ઈમામનો વિરોધ કરવાનો સવાલજ કયા છે જે આદિલ હોય!

બીજું: જ્યારે રસુલે ખુદા (સ.અ.વ.) એ સ્પષ્ટપણે ફરમાવ્યું છે કે ‘અલી (અ.સ.) હક્ક સાથે છે…’ અને આવી પ્રકારની કોઈ સર્વસહમત હદીસ પત્નિઓ અને સહાબીઓ માટે નથી જેનો અર્થ એમ થયો કે પત્નિઓ અને સહાબીઓ પાસે કોઈ રસ્તો નથી સિવાય કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે જોડાય જાય એ કરતા કે તેમનો વિરોધ કરે. આ હદીસ દરેક મુસલમાન જે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના સત્તાધિકારને પડકારે છે તેના જુઠાણાને સાબીત કરે છે.

અલબત્ત આયશા પણ આ હદીસનો સ્વિકાર કરે છે જે આ રિવાયતથી સાબીત છે:

عَنْ عَبْدِ اللهِ بْنِ عَامِرٍ قَالَ: سَمِعْتُ عَبْدَ اللهِ بْنَ بُدَيْلٍ الْخُزَاعِيَّ يَقُولُ لِعَائِشَةَ: أَنْشُدُكَ اللهَ أَ لَمْ نَسْمَعْكَ تَقُولِينَ سَمِعْتُ رَسُولَ اللهِ ص يَقُولُ-: «عَلِيٌّ مَعَ الْحَقِّ وَ الْحَقُّ مَعَ عَلِيٍّ لَنْ يَفْتَرِقَا حَتَّى يَرِدَا عَلَيَّ الْحَوْضَ؟» قَالَتْ: بَلَى قَالَ لَهَا: فَلِمَ ذَلِكَ؟ قَالَتْ: دَعُونِي وَ اللهِ لَوَدِدْتُ أَنَّهُمْ تَفَانَوْا جَمِيعاً.

અબ્દુલ્લાહ બીન બુદૈલ અલ ખોઝાઈ એ આયશાને કહ્યું: હું તને અલ્લાહ ખાતર પુછું છું કે શું અમે તને એમ કહેતા નથી સાંભળ્યા કે: મેં (આયશા) રસુલુલ્લાહ (સ.અ.વ.) પાસે થી સાંભળ્યું છે કે: અલી (અ.સ.) હક્ક સાથે છે અને હક્ક અલી (અ.સ.) સાથે છે, આ બન્ને કયારેય જુદા નહિ થાય જ્યાં સુધી મને હૌઝ ઉપર ન મળે. તેણીએ કહ્યું: હા. તેણે તેણીને કહ્યું: તો પછી શું કામ આ જંગ (જંગે જમલ)? તેણીએ કહ્યું: મને એકલા છોડી દયો, અલ્લાહની કસમ, હું ચાહું છું કે તેઓ એકબીજાને હલાક કરી દે.

  • (શૈખ અલ મુફીદ (અ.ર.)ની અલ જમલ વ અલ નુસરહ લી સય્યદ અલ ઈત્રહ ફી હર્બ અલ બસરા,   પા. 433)

અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની મન્ઝેલત જાણવા છતાં સ્પષ્ટપણે આયેશાએ પણ તલ્હા અને ઝુબૈરની જેમ જંગે જમલની શરૂઆત કરી અને આપ (અ.સ.) સંબંધીત પોતાની જાતને છેતર્યા. આ પછી કેવી રીતે મુસલમાનો તેને ઉમ્મુલ મોઅમેનીન અને ઈસ્લામના પ્રતિક માને? શું જંગ હક્કની સ્વરૂપ છે અને ઈસ્લામની નિશાની છે અને હજારો મુસલમાનોને મારવુ એ માતૃત્વની નિશાની છે?

અને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની મન્ઝેલત હક્ક છે તેનો સ્વિકાર કર્યા પછી અને જંગે જમલની શરૂઆતમાં તેનો વાંક હોવા છતા તેણીને અલ્લાહ ઉપર જંગનો આરોપ નાખવાનું સાહસ કર્યું.

તેના જુર્મોનો આરોપ અલ્લાહ ઉપર મુકવાની યુકિતથી બીજા મુસલમાનો તેની સાથે જોડાવા પ્રોત્સાહીત થયા જેમકે આપણે જોઈએ છીએ ઉમર બીન સાદ, ઉબૈદુલ્લાહ બીન ઝિયાદ અને યઝીદ બીન મઆવીયાહ (અલ્લાહની લઅનત થાય તેઓ ઉપર) જેવી રીતે તેઓ ઈમામ હુસૈન (અ.સ.)ના કત્લના પોતાના ગુનાહનો આરોપ અલ્લાહ ઉપર નાખે છે.

શું અમ્માર અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) કરતા અફઝલ હતા?

મોઆવીયા સામે સીફફીનની જંગમાં એક હદીસના કારણે મુસલમાનો અમ્માર પ્રત્યે વધારે ચિંતત હતા, જોકે તે ભરોસાપાત્ર હદીસ હતી કે, અમ્માર બળવાખોર સમુહ દ્વારા કત્લ થશે. મોઆવીયા અને અમ્રે આસે પોતાની બધીજ કોશિષ કરી કે જેથી અમ્મારના કત્લનો આરોપ અલી (અ.સ.) તરફ વાળે. એટલું નહિ પરંતુ તેઓ એ હદ સુધી ગયા કે અલી (અ.સ.) જ નઉઝોબીલ્લાહ અમ્મારના કત્લના જવાબદાર છે. આજદિન સુધી મુસલમાનો પાસે કોઈ રસ્તો નથી કે આ હકીકતને છુપાવે કે અમ્મારને મોઆવીયાના બળવાખોર સમુહે કત્લ કર્યા હતા.

આ બાબત ખુબજ માર્મિક છે કારણકે મુસલમાનોને અમ્માર કરતા અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની વધારે ચિંતા હોવી જોઈએ જ્યારે કે અલી (અ.સ.) હક્ક સાથે છે તેનો સ્પષ્ટ પુરાવો મૌજુદ છે. અગર મોઆવીયા એ અમ્મારને કત્લ ન કર્યા હોત તો પણ તે બાતિલ ઉપર હતો અને ભલે પછી અમ્મારના ટેકામાં કોઈ હદીસ ન હોત. જ્યારે કે મોઆવીયાનું બાતિલ ઉપર હોવું અમ્મારના કત્લ કરવાથી સ્પષ્ટ થઈ જાય છે અને અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) સાથે જંગ કરવી તો તેના કરતા પણ મોટો ગુનોહ છે કારણકે રસુલે ખુદા (સ.અ.વ.)ની હદીસ છે કે ‘અલી (અ.સ.) હક્ક સાથે છે…’

આ મોઆવીયાની બેઈઝઝતી અને અપમાન માટે કાફી છે. પરંતુ તે આજે પણ અનુયાયીઓ ધરાવે છે કે જેઓ કોઈપણ કિંમતે તેના અપરાધોનો દિફા કરે છે જાણે કે તે રસુલે ખુદા (સ.અ.વ.) કરતા પણ ઉંચો હોય અને તેથીજ ‘અલી (અ.સ.) હક્ક સાથે છે…’ જેવી હદીસો તેને લાગુ પડતી નથી.

(4) અલી ઈબ્ને અબી તાલિબ (..)ને બદનામ કરવા ખોટી હદીસો

સ્વાભાવીક છે કે જ્યારે કોઈ શખ્સ આવી સિફતોથી સુશોભીત હોય તો તે બીજાઓ માટે હસદ અને કીનાનું કારણ બનશે. જ્યારે વિરોધીઓ અને દુશ્મનોએ જોયુ કે અલ્લાહ અઝઝ વ જલ્લે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની શ્રેષ્ઠતા વર્ણવી છે તો તેઓ અલી (અ.સ.)ના ચારિત્ર્યને બદનામ કરવા હદીસો ઘડવામાં વ્યસ્ત થઈ ગયા. તેમાંથી અમૂક નીચે મુજબ છે:

અલી (અ.સ.) ને અબુ જેહલની કનીઝ સાથે શાદી કરવી હતી જેથી જ. ફાતેમા ઝહરા (સ.અ.) અલી અસ.સ. થી નારાઝ થયા.

સલફીઓ એવો દાવો કરે છે કે આયત: અય ઈમાન લાવનારાઓ! નમાઝની નઝદીક ન જાવ જ્યારે તમે નશામાં હો (સુરએ નિશા:43) નઉઝોબીલ્લાહ અલી (અ.સ.) માટે નાઝીલ થઈ હતી.

ખારજીઓ હક્ક ઉપર હતા અને ઈબ્ને મુલ્જીમ (અલ્લાહ તેના ઉપર લઅનત કરે) અલ્લાહનો શ્રેષ્ઠ બંદો હતો. (ઈબ્ને તયમીયાની મીન્હાજુસ્સુન્નાહ)

આ અને આવી હદીસો નાસેબીઓ દ્વારા અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને બદનામ કરવા ફેલાવવામાં આવે છે.

સૌ પ્રથમ તો આ હદીસો ઘડી કાઢેલી છે અને એહલે સુન્નત સહિત મુસલમાન આલીમોએ હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના બચાવમાં આવી ઘડી કાઢેલી હદીસોને વાહિયાત ગણાવતા વિસ્તૃત જવાબો આપ્યા છે.

બીજું, અશકય હોવા છતાં માની લઈએ કે આ હદીસો સાચી છે તો પણ તે હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ના કિરદાર ઉપર ડાઘ નથી લગાડી શકતી.

“પણ અલ્લાહ પોતાના નૂરને સંપૂર્ણ કરી રહેનાર છે પછી ભલેને નાસ્તિકોને અણગમતુ જ કેમ ન લાગે!” (સુરએ સફ:8)

અલ્લાહના આ ઈરાદાને સમર્થન આપતી અને રસુલે ખુદા (સ.અ.વ.)નું ઉમ્મત બાબતનું અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને બદનામ કરવાના પ્રયત્નોનું પૂર્વજ્ઞાન હોવાથી આ હદીસ ‘અલી (અ.સ.) હક્ક સાથે છે…’ એ મઅસુમની દોઆ સાથે આ રીતે પૂર્ણ થાય છે :

اَللّہُمَّ اَدرِ الحَقَّ مَعَہٗ حَیثُ دَارَ

‘અય અલ્લાહ હક્કને તે તરફ ફેરવ જ્યાં અલી (અ.સ.) ફરે.’

(તફસીર અલ કબીર, ભાગ-1, પા. 205, મનાકીત અલ ખ્વારઝમી, પા. 217, અલ મોઅજમ અલ અવ્સત, ભાગ-5, પા. 455, હ. 4877, અલ મુસ્તદરક અલા અલ સહીહૈન, ભાગ-3, પા. 134, હ. 4628, તીરમીઝીની અલ જામે અલ સહીહ, ભાગ-5, પા. 592, હ. 3724)

આ દોઆએ અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને બદનામ કરવાના દરેક દરવાજાને મજબૂત રીતે બંધ કરી દીધી ચાહે તે હદીસ સહીહ હોય કે ગલત. હક્ક અલી (અ.સ.)ને આધીન છે, તેમના દ્વારા ઓળખાવવામાં આવે છે અને જે કાઈપણ અલી (અ.સ.) કરે છે અથવા ફરમાવે છે હક્ક બની જાય છે. કારણકે હક્કને હુકમ થયો છે કે અલી (અ.સ.)ની સાથે બદલાય અને એ વાતને હક્ક જાણે જે અલી (અ.સ.) કરે. અલી (અ.સ.) ને હક્કની ખરાઈ માટે પોતાની વર્તણુંક કે અમલને બદલવાની જરૂર નથી.

તેથી, કહેવાતી ભુલો અને આક્ષેપોને અલી (અ.સ.) સાથે નિસ્બત આપવા છતાં પણ એક વખત અલી (અ.સ.) તેને અંજામ આપી દે તો તે ભુલો રહેતી નથી. અલી (અ.સ.) દ્વારા અમલ કરવાથી ખામીઓ હક્કમાં બદલાઈ જાય છે.

જે લોકો આ બાબતને શીઆઓ તરફથી અતિશ્યોકિત (ગુલુવ) ગણે છે તેઓએ કુરઆને કરીમની આ આયત ઉપર મનન કરવું જોઈએ:

“સિવાય કે જે તૌબા કરે અને ઈમાન લઈ આવે અને નેકી કરે, તો પછી તેઓજ તે છે કે જેમની બદીઓ અલ્લાહ નેકીઓથી બદલી નાખશે અને અલ્લાહ મહાન માફ કરનાર અને રહેમ કરનાર છે.”

(સુરએ ફુરકાન (25):70)

તારણ એ કે મુસલમાનો પાસે કોઈ રસ્તો નથી સિવાય કે અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ને એ ધરી તરીકે કબુલ કરવા કે જેની ફરતે હક્ક તવાફ કરે છે. આના આધારે આપ (અ.સ.) વિરૂધ્ધ દરેક જુઠાણા અને અફવાઓને એક બાજુ રાખવું જોઈએ અને જે કોઈ આવા જુઠાણાને માને તો તેણે હક્કનો ઈન્કાર કરી બાતિલનો સાથ આપી અલ્લાહ અને તેના રસુલ (સ.અ.વ.)ની નાફરમાની કરી.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*