શુજાઅતે ઈમામ સજ્જાદ અ.સ

વાંચવાનો સમય: 3 મિનિટ

કિતાબે મનાકિબમાં ઉલ્લેખ છે કે: કિતાબે અહમરમાં અવઝાઈથી નોંધવામાં આવ્યું છે કે: જ્યારે ઈમામ ઝય્નુલ આબેદીન અ.સ   શામમાં યઝીદની પાસે ગયા, તે મલઉને એક ખતીબ (પ્રવચન કરનાર)ને હુકમ આપ્યો કે આ છોકરાનો હાથ પકડીને મીમ્બર ઉપર લઈ જાવ અને તેના બાપ, દાદાના કાર્યો, અઘટીત ચારિત્ર્ય અને તેઓએ અમારી સામે જે નાફરમાની અને બળવો કર્યો છે તેને બયાન કરો. આ સાંભળીને ખતીબ મીમ્બર ઉપર ગયો અને પોતાના પ્રવચનમાં કોઈ ખરાબ વાત કહેવાની બાકી ન રાખી (મઆઝલ્લાહ).

જ્યારે ખતીબ મીમ્બર ઉપરથી ઉતર્યો ત્યારે ઈમામ ઝય્નુલ આબેદીન અ.સ    ઉભા થયા. તેઓએ સર્વ પ્રથમ ખુદાવંદે આલમની હમ્દો સના કરી. રસુલે ખુદા (સ.અ.વ.) ઉપર દુરૂદો સલામ મોકલ્યા અને પછી ફરમાવ્યું:

મઆશેરન્નાસે મન અરફની ફકદ અરફની વમન લમ યઅરીફની ફઆનાઓ અરરેફાહો નફસી.

લોકો, જે લોકો મને ઓળખે છે, તેઓ મને ઓળખે છે, અને જેઓ મને ઓળખતા નથી તેમને મારો પરિચય કરાવી દઉં છું.

અનબ્નો મક્કત વ મેના

હું મક્કા અને મિનાનો ફરઝંદ છું.

અનબ્નુલ મરવત વ સ્સફા

હું મરવા અને સફાનો ફરઝંદ છું.

અનબ્નો મન અલા ફસ્તઅલા ફજાઝ સિદરતલ મુન્તહા

હું એનો ફરઝંદ છું જેઓ સતત ઉચ્ચ દરજ્જે પહોંચતા રહ્યા અને ત્યાં સુધી કે સિદરતુલ મુન્તહાથી પણ આગળ વધી ગયા.

વ કાન મિન રબ્બેહી કાબ કવસયન અવ અદના

અને પોતાના રબથી તેઓનું અંતર બે કમાનથી પણ ઓછું રહી ગયું.

અનબ્નો મન સલ્લ બે મલાએકે તીસ્સમાએ મસ્ના મસ્ના.

હું એ છું જેમની પાછળ ફરિશ્તાઓએ બે બે ની (સંખ્યામાં) મળીને નમાઝ પઢી.

અનબ્નુલ મકતૂલે ઝુલ્મા

હું એનો ફરઝંદ છું જેઓને ઝુલ્મ અને અત્યાચારથી કત્લ કરી નાખવામાં આવ્યા છે.

અનબ્નુલ મજઝૂઝીર રઅસે મેનલ કફા

હું એનો ફરઝંદ છું, જેઓને ગરદનની પાછળના ભાગેથી ઝબ્હ કરવામાં આવ્યા છે.

અનબ્નુલ અતશાન હત્તા કફા

હું એવા પ્યાસાનો ફરઝંદ છું જેઓને જીવનના અંત સુધી પાણી આપવામાં આવ્યું ન હતું.

અનબ્નો તરીહે કરબલા

હું એ વ્યકિતનો ફરઝંદ છું જેઓ કરબલાની રેતીમાં રકત અને માટીમાં રગદોળાયા હતા.

અનબ્નો મસ્લૂબીલ અમામતે વરરેદાઅ.

હું એનો ફરઝંદ છું જેમનો અમામો (એક પ્રકારની ઈસ્લામી પાઘડી) અને રિદા લૂંટી લેવામાં આવ્યો.

અનબ્નો મન બકત અલયહે મલાકતુસ્સમાએ.

હું એ હસ્તીનો ફરઝંદ છું, જેઓની ઉપર આસમાનના ફરિશ્તાઓએ રૂદન કર્યું.

અનબ્નો મન રઅસોહો અલસ્સનાને યુહવા

હું એ (મહાન) હસ્તીનો ફરઝંદ છું જેમનું સર (મસ્તક) ભાલાની અણી ઉપર રાખીને ભેટ તરીકે અપાયું હતું.

અનબ્નો મન હરમોહૂ મેનલ એરાકે એલશ્શામે તુસ્બા.

હું એનો ફરઝંદ છું જેના એહલે હરમ (કુટુંબની પવિત્ર સ્ત્રીઓ) ઈરાકથી લઈને શામ સુધી કૈદી બનાવીને લઈ જવામાં આવી.

ત્યાર પછી ફરમાવ્યું:

અય્યોહન્નાસ, ઈન્નલ્લાહ તઆલા વલહુલ હમ્દુબતલા ના અહલલબય્તે બે બલાઈન હસનીન હયસો જઅલ રાયતલ હોદા વલ અદલે વત્તોકા ફીના વજઅલ રાયતઝ ઝલાલતે વરરદા ફી ગયરેના.

અય લોકો, ખુદાનો શુક્ર છે કે અમો એહલેબય્તનું સારી રીતે ઈમ્તેહાન લેવામાં આવ્યું. અમોને હીદાયત, અદલ ઈન્સાફ અને તકવાનું ઈલ્મ આપવામાં આવ્યું. જે રીતે અમારા હરીફને ગુમરાહી અને હલાકતના કેન્દ્ર બનાવવામાં આવ્યા.

ફઝઝલ્ના અહલલબય્તે બે સિત્તે ખેસાલીન.

અમો એહલેબય્તે અલ્લાહ છ ખાસિયતો આપીને નવાઝયા છે.

ફઝઝલ્ના બિલઈલ્મે વલ હિલ્મે વશ્શુજાઅતે વસ્સમાહતે વલ મહબ્બતીન વલ મહલ્લતે ફી કોલૂબિલ મોઅમેનીન.

તેણે અમોને ઈલ્મ, હિલ્મ, શુજાઅત, સખાવત અને મોમીનોના દિલોમાં અમારી મોહબ્બત અને આદર આપીને અમોને ફઝીલત આપી છે.

ઉપર જણાવ્યા મુજબના વાકયો ઈમામ ઝય્નુલ આબેદીન અ.સ  ફરમાવતા રહ્યા એટલે સુધી કે ત્યાં હાજર રહેલા લોકોમાં બેચેનીના ચિન્હો દેખાવા લાગ્યા. યઝીદે પરિસ્થિતિને કાબુમાં રાખવા માટે મોઅઝઝીનને અઝાન આપવાનો ઈશારો કર્યો. તેણે અઝાન શરૂ કરી. જ્યારે અઝાન આપનારે તકબીર, અલ્લાહો અકબર કહી, ત્યારે હજરતે ફરમાવ્યું કે, તે જે વાતની ગવાહી આપી છે હું પણ તે વાતની ગવાહી આપું છું. જ્યારે મોઅઝઝીને કહ્યું:

અશ્હદો અન્ન મોહમ્મદર રસૂલુલ્લાહ. ત્યારે હજરતે ફરમાવ્યું: અય યઝીદ મોહંમદ (સ.અ.વ.) તારા દાદા છે કે મારા? જો તું તેઓ (સ.અ.વ.)ને તારા દાદા માનતો હોય તો તું જુઠો છે અને જો તેઓ (સ.અ.વ.) મારા દાદા છે તો એ વાતનો જવાબ આપ, કે તેં મારા પિતાને શા માટે કત્લ કર્યા? અને તેઓના કુટુંબની સ્ત્રીઓને કૈદી શા માટે બનાવી? ત્યાર પછી લોકોને સંબોધીને ફરમાવ્યું: અય્યોહન્નાસ, તમારામાંથી કોઈ એવું છે ખરૂં કે જેના બાપ અને જેના દાદા પયગંબરે ખુદા (સ.અ.વ.) હોય? ત્યાર પછી શ્રોતાઓના સમુહમાં રૂદન અને વિલાપના અવાજ બુલંદ થવા લાગ્યા.

  • (મકતલે અબી મખનફ, પાનું ૧૩૫, બેહાર, ભાગ-૧૦, પાના નં. ૨૩૩, રિયાઝુલ કુદોસ ભાગ-૨, પાના નં. ૩૨૮)

Be the first to comment

Leave a Reply