અલ્લાહની કિતાબની ફઝીલત, દરજ્જો અને મહાનતાને સમજવા માટે આપણે એહલેબૈત (અ.મુ.સ.)ના દર ઉપર જઈએ અને તેમની પાસેથી સમજવાની કોશિશ કરીએ.
રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું:
“જે દિલમાં કુરઆન હોય તેને અલ્લાહ અઝાબ નહિ કરે”
(શૈખે તુસી (ર.અ.)ની અલ આમાલી, પા.૬, હ. ૭)
ફરી આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:
‘તમારામાંથી શ્રેષ્ઠ એ છે જે કુરઆન શીખે અને શીખવાડે.’
(શૈખે તુસી (ર.અ.)ની અલ આમાલી, પા. ૩૬૭)
રસુલુલ્લાહ (સ.અ.વ.)એ ફરમાવ્યું:
‘અય લોકો! બેશક તમે બલાઓના ઘરમાં છો. તમો સફરમાં છો અને તમારા સફરની ઝડપ ખુબ વધારે છે. અલબત્ત તમોએ રાત્રીઓ અને દિવસો, સુરજ અને ચાંદ જોયા છે, નવા નવા (કપડા)પહેરો છો, દરેક દૂરની વસ્તુઓ નઝદીક લાવો છો અને બધી વાયદા કરેલી વસ્તુઓ આગળ લાવો છો. તેથી રણના અંતર માટેનું ભાથુ તૈયાર કરો.’
આ સમયે જનાબે મિકદાદ ઈબ્ને અલ અમ્ર (ર.અ.) ઉભા થયા અને અરઝ કરી:
‘યા રસુલુલ્લાહ (સ.અ.વ.)! બલાઓનું ઘર શું છે?’
આં હઝરત (સ.અ.વ.) એ ફરમાવ્યું:
‘બલાઓ અને સખ્તીઓનું ઘર. જ્યારે ફીત્નાઓ તમારા માટે અંધારી રાતની જેમ અસ્પષ્ટ થઈ જાય તો તમેં કુરઆનને વળગી રહો. કારણ કે તે એવું શફાઅત કરનાર છે કે જેની શફાઅત માન્ય છે અને એવું ફરિયાદી છે કે જેની ફરિયાદ કબુલ છે. જે કોઈ તેને (કુરઆનને) પોતાની આગળ રાખ્યું તો તેને જન્નત તરફ હિદાયત કરશે અને જે કોઈ તેને પાછળ રાખશે તો તેને જહન્નમ તરફ ઢસડી જશે. તે એવું હિદાયત કરનાર છે કે જે શ્રેષ્ઠ રસ્તા તરફ લઈ જાય છે. તે એવી કિતાબ છે જેમાં વિગતો, સમજૂતિઓ અને મઆરીફને હાસિલ કરવું છે. તે નિર્ણાયક નિવેદન છે અને મજાક નથી. તેનું એક જાહેર છે અને એક બાતીન. તેનું જાહેર હિકમત છે અને તેનું બાતીન ઈલ્મ છે. તેનું જાહેર ભવ્ય છે અને તેનું બાતીન ઉંડુ છે. તેના સ્તરો છે અને તેના સ્તરોના પણ સ્તરો છે. તેની અજાયબીઓ ગણી શકાતી નથી અને તેની આશ્ચર્યજનક બાબતોનો ઈન્કાર નથી કરી શકાતો. તેમાં હિદાયતનું નૂર છે અને હિકમતની જગ્યાઓ છે. તે જાણનારની જાણીતી વસ્તુઓ ઉપર હિદાયત કરે છે.’
(તફસીરે અય્યાશી, ભા. ૧, પા. ૨, હ. ૧)
અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.) બયાન કરે છે કે મેં રસુલુલ્લાહ (સ.અ.વ.)થી સાંભળ્યું છે કે આપ (સ.અ.વ.)એ ફરમાવ્યું:
‘જીબ્રઈલ (અ.સ.) મારી પાસે આવ્યા અને કહ્યું: અય મોહમ્મદ (સ.અ.વ.)! નજીકમાં જ તમારી ઉમ્મતમાં વિખવાદ થશે’.
મેં પુછયું: તેમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે?
તેમને જવાબ આપ્યો: અલ્લાહની કિતાબ! તેમાં તમારી પહેલાની બાબતોની સમજૂતિની ખબરો છે, તમારી પછીની બાબતોની ખબરો છો અને તમારી દરમ્યાન જે છે તેનો ફેંસલો. તે નિર્ણાયક છે અને મજાક નથી. કોઈ ઝાલીમ હાકીમ જે મુસલમાનો ઉપર હુકુમત કરે છે, તેના ઉપર અમલ નથી કરતો, અલ્લાહ તેનો નાશ કરશે. જે કોઈ તેને છોડીને હિદાયત તલબ કરશે તો અલ્લાહ તેને ગુમરાહ કરી દેશે. તે અલ્લાહની મઝબુત રસ્સી, હિકમતભરી યાદ અને સીધો રસ્તો છે. ઈચ્છાઓ તેને ભ્રષ્ટ નથી કરતી અને ઝબાનો તેને ઘેરી નથી લેતી. તેની તકરારથી થાક નથી લાગતો અને તેની અજાયબીઓ ખત્મ નથી થતી. આલીમોને કયારેય તેનાથી તૃપ્ત થયાનો એહસાસ નથી થતો… જે કોઈ તેમાંથી બોલે છે તેણે હક્ક કહ્યું, જે કોઈ તેના ઉપર અમલ કરે તેને તેનો બદલો આપવામાં આવશે અને જે કોઈ તેની તરફ આગળ વધે તે તેની સીધા રસ્તા તરફ હિદાયત કરશે. તે ભવ્ય કિતાબ છે; જૂઠાણું તેની નઝદીક ન તો આગળ અને ન તો પાછળથી આવે છે, તે હિકમતવાળા, વખાણપાત્ર તરફથી વારસો છે.’
(તફસીરે અય્યાશી, ભા. ૧, પા. ૩, હ. ૨)
તેથી ઉપરોકત હદીસોથી એ તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે શ્રેષ્ઠ ઈલ્મ જે હાસીલ કરવું જોઈએ તે પવિત્ર કુરઆનનું ઈલ્મ છે.
તે આપણને હુકમ આપે છે અને મનાઈ કરે છે. તેમાં સજાઓ સ્પષ્ટ કરવામાં આવી છે, સુન્નતને સ્થાપિત કરવામાં આવી છે, દાખલાઓ ટાંકવામાં આવ્યા છે અને દીનને સમજાવવામાં આવ્યો છે. તેમાં ચેતવણી છે અને મખ્લુક ઉપર દલીલ છે. તેના ઉપર લોકોનો વાયદો લેવામાં આવ્યો છે અને તેઓની રૂહોએ તેને વાયદો કર્યો છે જેથી તે તેઓને સમજાવે છે કે તેઓએ શું અંજામ આપવાનું છે અને શેનાથી પરહેઝ કરવાનો છે જેથી જે કોઈ નાશ પામે તે તેની સમજૂતિના હિસાબે નાશ પામે અને જે કોઈ બાકી રહે તે તેની સમજૂતિના હિસાબે બાકી રહે. બેશક અલ્લાહ બધુ જ સાંભળનાર અને જાણનાર છે.
(તફસીરે અય્યાશી, ભા. ૧, પા. ૭, હ. ૧૬, અમીરૂલ મોઅમેનીન હઝરત અલી ઈબ્ને અબી તાલિબ (અ.સ.)ની હદીસ)
પરંતુ દિમાગમાં એ વાત યાદ રહે કે જેમ આપણે પ્રસ્તાવનામાં સ્પષ્ટતા કરી કે અલ્લાહની કિતાબને એહલેબૈત (અ.મુ.સ.)ની સમજૂતિ, તફસીર અને સ્પષ્ટતા વગર સમજી શકાતી નથી. જે કોઈ આ સિવાયના રસ્તા ઉપર ચાલશે તો તે ખુદ કુરઆનથી વિનાશ પામશે.
Be the first to comment