ઇમામ મહદી (અ.સ.) ગૈબતમાં શા માટે છે?

વાંચવાનો સમય: 2 મિનિટ

ઘણા મુસ્લિમોને પરેશાન કરતી એક શંકા એ છે કે ઇમામ મહદી (અ.સ.) ગૈબતમાં શા માટે છે. આ વિષય પર અનેક પ્રશ્નો થાય છે અને ઇમામ (અ.સ.)ની ગૈબતનું અનોખું સ્વરૂપ ઘણીવાર ચર્ચાનો વિષય બને છે. કેટલાક વિરોધીઓ અને શંકાખોરો તો ગૈબતને બહાનું બનાવી ઇમામ મહદી (અ.સ.)ના અસ્તિત્વને જ નકારી કાઢે છે.

જવાબ

ભલે આજના સમયમાં મુસ્લિમોને ઇમામ મહદી (અ.સ.)ની ગૈબત આશ્ચર્ય પમાડે તેવી  અને અનોખી લાગે, પરંતુ આ કોઈ નવી અથવા અગાઉ ક્યારેય ન થયેલી બાબત નથી. ઇતિહાસમાં અનેક અલ્લાહના નબી (અ.સ.) અને રસૂલ (અ.સ.) એવા થયા છે, જેઓ અલ્લાહના હુકમથી લાંબા સમય સુધી પોતાની કૌમથી છુપાયેલા રહ્યા (ગૈબતમાં રહ્યા).

આ વિષય પર મહાન આલિમ શેખ મોહમ્મદ ઇબ્ને અલી ઇબ્ને  હુસૈન ઇબ્ન બાબવય્હ, અલ-કુમી (ર.અ.) – જેમને શેખે સદૂક (અ.ર) તરીકે ઓળખવામાં આવે છે (વફાત 381 હિ.) – તેઓએ ખાસ કરીને ઇમામ મહદી (અ.સ.)ના આદેશથી એક આખી કિતાબ “કમાલુદ્દીન” લખી છે.વધુ  વિગત જાણવા ઇચ્છતા લોકો આ કિતાબને વાંચી શકે છે.

જ્યારે ઇતિહાસમાં ગૈબતના અનેક દાખલા હાજર છે, ત્યારે માત્ર ગૈબતના બહાને ઇમામ મહદી (અ.સ.)ના પવિત્ર અસ્તિત્વને નકારી કાઢવું અયોગ્ય છે.

ગૈબતના કારણોની વાત કરીએ તો અહીં એક મહત્વનો મુદ્દો સમજવો જરૂરી છે. મુસ્લિમોને તેમના દીનની ઘણી, અઢળક બાબતોના કારણો વિશે જાણ નથી કે જાણ આપવામાં આવી નથી. પરંતુ માત્ર કારણ ન સમજાય એટલા માટે કોઈ અકીદાને નકારી શકાય નહીં કારણકે તેઓ પાસે ગૈબતના અકીદાને નકારતી કોઈ દલીલ કે કારણ નથી.

જેવી રીતે, બનીઈસરાઈલને પાસે પણ નબી મૂસા (અ.સ.)ને નકારવા માટે કોઈ કારણ ન હતું જયારે  તેઓ ચાલીસ દિવસ માટે કૌમથી દૂર રહ્યા હતા. બનીઈસરાઈલે પણ નબી મૂસા (અ.સ.)ની ગૈબતને બહાનું બનાવી ગુમરાહી અપનાવી હતી.

ઇમામ મહદી (અ.સ.)ની ગૈબતના કારણો અંગે ભલે હદીસો ઉપલબ્ધ છે, પરંતુ સામાન્ય રીતે મુસ્લિમોને આદેશ આપવામાં આવ્યો છે કે તેઓ કારણોની તપાસમાં પડ્યા વગર ગૈબતના સમયમાં પોતાની જવાબદારીઓ પર ધ્યાન આપે.

કુરઆન સ્પષ્ટ રીતે કહે છે:

يَا أَيُّهَا الَّذِينَ آمَنُواْ لاَ تَسْأَلُواْ عَنْ أَشْيَاء إِن تُبْدَ لَكُمْ تَسُؤْكُمْ

“અય ઇમાન લાવનારાઓ! એવી બાબતો વિશે સવાલ ન કરો કે જો તેને જાહેર કરવામાં આવે તો તમને તકલીફ થશે…”

(સુરે માએદાહ 5:101)

બીજી અનેક ઓલુમની (જ્ઞાનો,ઈલ્મોની)જેમ, ગૈબતના વાસ્તવિક કારણો માત્ર અલ્લાહ જ જાણે છે અને તે યોગ્ય સમયે ખુદ ખુલ્લા જાહેર કરશે.

એક રસપ્રદ ઘટના આ મુદ્દા પર પ્રકાશ પાડે છે:

અબ્દુલ્લાહ ઇબ્ન અલ-ફઝલ અલ-હાશિમી કહે છે કે મેં ઇમામ જાફર સાદિક (અ.સ.)ને કહેતા સાંભળ્યા:

“આ સાહેબુલ અમ્ર (ઇમામ મહદી અ.સ.) માટે ગૈબત જરૂરી છે, અને દરેક શંકાખોરો (ગુમરાહ કરનારા લોકો) ગૈબત અંગે શંકા કરશે.”

અબ્દુલ્લાહ ઇબ્ન અલ-ફઝલ પૂછે છે: “મારા આકા, ગૈબત શા માટે થશે?”

ઇમામ (અ.સ.):

“જે હિકમત અગાઉના અલ્લાહના રસૂલોની ગૈબત માટે હતી, એ જ હિકમત સાહેબુલ અમ્રની ગૈબત માટે છે. આ હિકમત તેમના ઝુહૂર બાદ જ જાહેર થશે, જેમ કે જ.ખીઝ્ર (અ.સ.)ના કામોની હિકમત – નાવમાં છિદ્ર કરવું, બાળકને મારી નાખવું અને દીવાલ ઊભી કરવી – તે જયારે જ.ખીઝ્રથી જ.મુસા (અ.સ. જુદા થયા ત્યારે જાહેર કરી હતી.”

પછી ઇમામ (અ.સ.) :

“એ ફઝલના પુત્ર! આ અલ્લાહના કાર્યોમાંથી  એક કાર્ય છે, અલ્લાહના રહસ્યોમાંથી એક રહસ્ય છે અને અલ્લાહની ગૈબતોમાંથી એક ગૈબત છે. જ્યારે અમને ખબર છે કે અલ્લાહ હિકમતવાળો છે, ત્યારે અમે ગવાહી આપીએ છીએ કે તેના બધા કામ હિકમતથી ભરપૂર છે, ભલે તેના કારણો આપણને દેખાતા ન હોય.”

અલ-એહતેજાજ લેખક- શેખ અલ-તબરસી (ર.અ.), ભાગ-2, પેજ  376

આથી ગૈબત અંગે શંકા કરવી યોગ્ય નથી અને તેની હિકમત માંગવી એ અલ્લાહની હિકમત પર શંકા કરવા સમાન છે.

Be the first to comment

Leave a Reply