ઝિયારતે આશુરામાં આપણે આશુરાના દિવસને તમામ એહલે આસમાન (આસમાનના રહેવાવાળાઓ) અને એહલે ઝમીન (ઝમીનના રહેવાવાળાઓ) માટે ‘અઝીમ મુસીબતવાળો દિવસ‘ પડીએ છીએ. આ દિવસે જ.ફાતેમા(સ.અ.)ના ફરઝંદ ઈમામ હુસૈન (અ.સ)અને તેના સાથીઓને બેરહેમીથી શહીદ કરવામાં આવ્યા, તેમના માલ અને અસબાબ લૂંટી લેવામાં આવ્યા. તેમના એહલેહરમ (બીબીઓ અને બાળકો)ને કેદી બનાવીને શહેર-બ-શહેર, દયાર-બ-દયાર ફેરવવામાં આવ્યા.
મોહર્રમુલ હરામની ૧૦મી તારીખ સને ૬૧ હિજરીના રોજ સૈયદુશ્શોહદા, નવાસ-એ-રસૂલ (સ.અ) એ પોતાનું સર્વસ્વ રાહેખુદામાં કુરબાન કરી દીધું. યકીનન તેમની શહાદત એહલે ઇસ્લામ માટે પણ એક અઝીમ મુસીબત છે. તેમનો આ હક છે કે તેમના પર તમામ ખલ્કે ખુદા ગિર્યા (રુદન) કરે, પરંતુ અફસોસ તેમના કાતિલો, બની ઉમય્યાએ પોતાના આ (બેહદ ખરાબ કાર્યો) કરતુતો પર શરમિંદા થવાની બદલે તેઓએ સકીફાઈ મુસલમાનો માટે આ મુસીબતવાળા દિવસને બરકતવાળો દિવસ કરાર આપ્યો.
ઝિયારતે આશુરામાં આપણે પડીએ છીએ:
’ان ھذا یوم تبرکت بہ بنو امیّة و ابن آکلة الاکباد….’
“યકીનન આ દિવસને બની ઉમય્યા અને (જનાબે હમ્ઝાનું) કલેજું ચાવનારીની ઔલાદે પોતાના માટે બરકતનો દિવસ કરાર આપ્યો છે….”
ફક્ત બની ઉમય્યા જ નહીં, ઘણા કલમો પઢનારા મુસલમાનો પણ આશુરાના દિવસને બરકતવાળો દિવસ સમજે છે. સ્પષ્ટ છે કે મુસલમાનોનું આ ગિરોહ, ગ્રુપ(ટોળું) બની ઉમય્યાના જ (નકશે કદમ પર) માર્ગ પર ચાલનાર છે (પીઠબળ પૂરું પાડનાર) છે.
ઇમામ જાફરે સાદિક (અ.સ)ની હદીસ
અબ્દુલ્લાહ બિન ફઝલ અલ-હાશમી કહે છે: “મેં ઇમામ જાફરે સાદિક (અ.સ)ને સવાલ કર્યો, અય રસુલુલ્લાહ (સ.અ.વ)ના ફરઝંદ એવું કેમ છે કે સામાન્ય મુસલમાન (સકીફાઈ મુસલમાન) આશુરના દિવસને બરકતવાળો દીવસ સમજે છે?
હઝરતે ગીર્યા કરતા કરતા જવાબ આપ્યો:
“જે સમયે ઇમામ હુસૈન (અ.સ) શહીદ થયા, એહલે શામ (શામના લોકો) એ યઝીદની ખુશનૂદી અને કુર્બત (નઝ્દીકી મેળવવા) હાસિલ કરવા માટે યઝીદના માટે ફાયદાકારક હોય તેવી જુઠ્ઠી હદીસો ઘડી કાઢી અને આ કામના ઇનામની ભેટરૂપે તેની પાસેથી (માલો – દૌલતના રૂપમાં) ઘણા ઇનામો હાસિલ કર્યા. આ મનઘડત (ખોટી) રિવાયતોમાં એક આ પણ છે, જેમાં આશુરાના દિવસને બાબરકત કરાર દેવામાં આવ્યો છે, જેથી લોકો આ દિવસે ગિર્યાઓઝારી કરવા અને મહઝૂનો મગ્મૂમ (ગમગીન) થવાના બદલે જશ્ન અને ખુશી મનાવે. આ રીતે લોકો આ દિવસને બાબરકત સમજવા લાગ્યા. અમારા અને તેમના દરમિયાન આ મોઆંમેંલાત (કાર્યો – બાબત) નો ફેંસલો ખુદ ખુદા કરશે.”
(એલલુશ શરાએઅ’, પાના ૨૨૫-૨૨૭)
બની ઉમય્યાની આ કોશિશ હતી કે તેઓ મુસલમાનોને અંબિયા (અ.મુ.સ.)ની મનઘડત દાસ્તાનોમાં ઉલઝાવીને પોતાના જુર્મ (ગુનાહ)ને છુપાવી લે. તેમની કોશિશ હતી કે પોતાના દૌર (શાસનકાળ)થી જ મુસલમાનો માટે આ દિવસને બાબરકત કરાર આપે જેથી તેઓ શહાદતે હુસૈન(અ.સ)ને પૂરી રીતે ભુલાવી દે. પરંતુ ઇતિહાસમાં જોઈએ તો સ્પષ્ટ છે કે તમામ અઇમ્માએ એહલેબૈત (અ.મુ.સ)એ આશુરના દિવસે ગમ મનાવ્યો અને પોતાના શિયાઓને પણ આ દિવસે ગમ મનાવવાનો અને ગમઝદા રહેવાનો અને રુદન કરવાનો હુકમ આપ્યો.
ખુદા એ લોકો પર લઅનત કરે, જેઓ આશુરાના દિવસને મુબારક અને ખુશીનો દિવસ કરાર આપે છે.
Be the first to comment