મુસ્લિમો માને છે કે અબુબકર નબી મોહમ્મદ (સ.અ.વ.) પછી ખલીફા બનવા માટે યોગ્ય હતા આ બાબતે તેઓના દાવા મુજબ તેમની પાસે કેટલીક ‘મજબૂત’ દલીલો છે. તેમાંની એક દલીલ એવી રજુ કરે છે કે નબી (સ.અ.વ.) એ પોતાના અંતિમ દિવસોમાં અબુબકરને નમાઝમાં ઇમામ તરીકે આગળ રાખવાનો આદેશ આપ્યો હતો. તેમના મત મુજબ, આ ‘આદેશ’ એ અબુબકરની શ્રેષ્ઠતા અને ઉમ્મતના નેતૃત્વ માટે તેમની યોગ્યતાનો પુરાવો છે.
જવાબ:
અમે સાબિત કરીશું કે નમાઝમાં ઇમામત કરવી કોઈપણ રીતે નબી (સ.અ.વ.)ના ઉત્તરાધિકાર (ઈમામત) માટે પુરાવો બની શકતી નથી.
સૌપ્રથમ, એહલે સુન્નતના વિદ્વાનો જે રિવાયત (હદીસ) પર આધાર રાખે છે અને પુરાવા તરીકે રજુ કરે છે તે હદીસ ઘડેલી અને અવિશ્વસનીય છે. તેઓની પોતાની કિતાબોમાં પણ આ હદીસની કોઈ મજબૂત અને માન્ય સાંકળ (રાવીઓની સાકળ) નથી. પરંતુ કદાચ થોડીવાર માટે જો અમે માનીએ કે નબી (સ.અ.વ.)એ ખરેખર અબુબકરને પોતાના સ્થાને નમાઝ માટે નિયુક્ત કર્યા હતા, તો પણ તે નબીના ઉત્તરાધિકાર – જાનશીની અને મહાન ઈમામતના હોદ્દાના માટે પુરાવો બની શકતું નથી.
કારણ કે, નબી (સ.અ.વ.) જ્યારે મદીનાથી બહાર જતા, ત્યારે તેઓ હંમેશા પોતાના સ્થાને કોઈને નમાઝ પડાવવા માટે રાખતા. વિદ્વાનોએ વર્ણવેલી રિવાયત મુજબ, એક પ્રસંગે તેમણે અંધ સહાબી ઇબ્ને ઉમ્મે મક્તૂમને પણ નમાઝ પડાવવા માટે પોતાના સ્થાને નિયુક્ત કર્યા હતા.
અબુ દાઉદે પોતાની સોનનમાં ભાગ-૧ પેજ- ૨૦૩ કિતાબુસ્સલાત, – “અંધ વ્યક્તિની ઇમામત” ના પ્રકરણમા આ રિવાયતનો ઉલ્લેખ આ મુજબ કર્યો છે:
અબુ અબ્દુલ્લાહ મોહમ્મદ બિન અબ્દુલર્રેહમાન અંબરી ઇબ્ને મહદીથી અને તે ઇમરાન કત્તાનથી અને તે કતાદાહથી અને તેને અનસથી વર્ણવ્યુ છે કે પયગંબર (સ.અ.વ) એ અંધ વ્યક્તિ ઇબ્ને મકતુમને નમાઝ પડાવાવા માટે નિયુક્ત કર્યા હતા
હવે સવાલ એ છે કે શું કોઈ મુસ્લિમ એવું માને છે કે ઇબ્ને ઉમ્મે મક્તુમ ખલીફા કે જાનશીન હતા કારણકે કે પયગંબર (સ.અ.વ)એ તેમને નમાઝ પડાવવા માટે નિયુક્ત કર્યા હતા?
આ બાબત એટલી સ્પષ્ટ છે કે ઇબ્ને તૈમીય્યાહ, જેને સલફીઓ શૈખુલ ઇસ્લામ કહે છે, તેને પણ પોતાની કિતાબ મિન્હાજુસુન્નાહ, ભાગ-૭, પેજ-૩૩૯ પર આ વાત સ્વીકારી છે કે “જીવિત અવસ્થામાં કોઈને પોતાના સ્થાને રાખવું એટલે કે માત્ર પ્રતિનિધિત્વ આપવું, જે દરેક જવાબદાર વ્યક્તિ માટે જરૂરી છે. પરંતુ એનો અર્થ એ નથી કે જે વ્યક્તિને જીવનકાળ દરમિયાન કોઈ કાર્ય માટે પ્રતિનિધિ બનાવવામાં આવ્યો હોય, તેને એના મૃત્યુ પછી પણ એ પદનો હકદાર ગણવો જોઈએ. નબી (સ.અ.વ.)એ પોતાના જીવનકાળમાં અનેક લોકોને પોતાના સ્થાને રાખ્યા હતા — જેમ કે અંધ ઇબ્ન ઉમ્મે મક્તૂમ — પરંતુ તેઓમાંથી કોઈ પણ નબીના મૃત્યુ પછી ઈમામત અથવા ખિલાફત માટે યોગ્ય ન હતા. તે જ રીતે બશીર ઇબ્ને અબ્દુલ મુન્ઝિર અને બીજા અન્ય લોકોને પણ વિવિધ પ્રસંગોએ (નમાઝ પડાવવા માટે) રાખવામાં આવ્યા હતા.”
હકીકતમાં એહલે સુન્નતના રાવીઓએ તો ત્યાં સુધી રિવાયત વર્ણવી છે કે નબી (સ.અ.વ.)એ અબ્દુરરેહમાન ઇબ્ને ઔફ પાછળ નમાઝ પઢી (અલ્લાહ માફ કરે).જો કે આ સાચું હોવું અશક્ય છે પરંતુ અગર થોડીવાર માટે આ રિવાયત સાચી માની પણ લઈએ, તો પણ તે ક્યારેય અબ્દુરરેહમાન ઇબ્ન ઔફના જાનશીન હોવા માટે પુરાવો બની શકતી નથી — અને આ માટે કોઈએ દાવો પણ કર્યો નથી.
એ સ્પષ્ટ છે કે આ રિવાયત ખોટી છે, કારણ કે તે એક જરૂરી અને ચોક્કસ હકીકતની વિરુદ્ધ છે અને હકીકત એ છે કે પયગંબર (સ.અ.વ.) એ પોતાની ઉમ્મતમાંથી કોઈની પાછળ નમાઝ પઢી નથી, અને રિવાયતના વર્ણનકારોની શ્રેણીનું વિશ્લેષણ કરવાની કોઈ જરૂર નથી.
સરળ શબ્દોમાં કહીએ તો અબુ બકર વિશેની હદીસ હોય કે અબ્દુર રહમાન ઇબ્ન ઔફ વિશેની નમાઝ પડાવવા માટેની હદીસ હોય કે રસુલુલ્લાહ (સ.અ.વ)એ નમાઝ પડી હોવાની રિવાયત હોય તે ખોટી છે અને કદાચ સાચી પણ ધારી લઈએ (અલ્લાહ માફ કરે) તો પણ કોઈપણ રિવાયત ખિલાફત કે ઈમામત માટે પૂરાવો બની શકતી નથી.
માત્ર એટલું કે એહલે સુન્નતના વિદ્વાનો તેને “સહિહ” (વિશ્વસનીય) માને છે, પરંતુ તેનાથી જાનશીન બનવાની હકીકત સાબિત થતી નથી.
તેથી, અબુબકર પાસે મુસ્લિમ ઉમ્મત પર ખિલાફતનો કોઈ હક નથી એવી જ રીતે અબ્દુરરેહમાન ઇબ્ને ઔફ કે ઇબ્ન ઉમ્મે મક્તૂમ પાસે પણ એ હક્ક નથી. અને આ સત્યને ખુદ ઇબ્ને તૈમીય્યાએ પણ સ્વીકાર્યું છે.
Be the first to comment