એવી ઘણી રિવાયતો છે જે સ્પષ્ટ રીતે એ બાબત તરફ ધ્યાન દોરે છે કે દરેક ઝમાનામાં હુજ્જતે ખુદા મૌજુદ છે. આ બાબતની ઘણી રિવાયતો તમામ મુસલમાનોની ભરોસાપાત્ર અને મુળભૂત કિતાબોમાં વર્ણવાયેલ છે.
દરેક ઝમાનામાં ઇમામને ઓળખવાની જરૂરીયાત:
દરેક ઝમાનામાં ઇમામ મૌજુદ છે આ બાબત પર રીવાયતો માટે, પવિત્ર પયગંબર (સ.અ.વ.)ની મશહુર હદીસને જોઈએ:
مَنْ مَاتَ ولَمْ يَعْرِفْ اِمَامَ زَمَانِهٖ مَاتَ مِيْتَةً جَاهِلِيَّةً
જે કોઈ પોતાના ઝમાનાના (સમયના) ઈમામને ઓળખ્યા વગર મૃત્યુ પામે છે, તે જાહેલીય્યતનું મૃત્યુ પામે છે (એટલે કે તે કાફિર મૃત્યુ પામે છે).
- સહીહ મુસ્લિમ હદીસ નં ૧૮૫૧
- મુસ્ન્દે અહમદ હદીસ નં ૧૬૪૩૪
- અલ-તયાલિસી પેજ નં ૨૫૯
- મોઅજમ અલ- કબીર હદીસ નં ૯૧૦
- શર્હ અલ-મકાસેદ ભાગ 4 પેજ નં ૨૩૯
- શર્હ અલ-ફિકહ અલ-અકબર પેજ નં ૧૭૯
હદીસ અલગ અલગ રીતે વર્ણવવામાં આવી છે:
مَنْ مَاتَ ولَيْسَ لَهٗ اِمَامٌ مَاتَ مِيْتَةً جَاهِلِيَّةً
“જે ઇમામ વિના મૃત્યુ પામ્યો તે જાહેલીય્યતની મૌત મર્યો.”
સહીહ ઇબ્ને હબ્બાન હદીસ નં ૪૫૭૩, ઇબ્ને હબ્બાનને બે શેખ એટલે કે બુખારી અને મુસ્લિમ પછી કેટલાક લોકો સૌથી વધુ વિશ્વસનીય માને છે.
આ હદીસ સાબિત કરે છે કે દરેક ઝમાનામાં મુસલમાનો માટે એક ઇમામ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો, તેનો અર્થ એ છે કે – કોઈપણ ઝમાનામાં ક્યારેય મુસલમાન ન હોઈ શકે સિવાયકે તેના માટે એક ઇમામ મૌજુદ હશે.
સુરએ કદ્ર – દરેક ઝમાનામાં એક ઇમામ હોવા બાબતે જણાવે છે.
સુરએ કદ્ર ઇમામતના પુરાવાઓમાંથી એક છે, જે મુસલમાનોને દરેક ઝમાનામાં એક ઇમામ વિશે માહિતી આપે છે. આ સુરો ઇમામતના સમર્થનમાં એટલી શક્તિશાળી દલીલ છે કે અઈમ્માહ(અ.મુ.સ.)એ શિઆઓને સૂરએ કદ્રની મદદથી ઇમામતમાં શંકાશીલ લોકો સામે દલીલ પેશ કરવાનો હુકમ આપ્યો છે.
ઇમામ મોહમ્મદ બાકીર (અ.સ.) શિયાઓને વર્ણન કરે છે :
ઇન્ના અન્ઝલ્નાહોના સુરા દ્વારા (વિરોધીઓને) ચેલેન્જ (પડકાર) આપો જેથી તમે સફળતા મેળવો. કારણ કે અલ્લાહની કસમ, આ પયગંબર (સ.અ.વ) પછી અલ્લાહ તરફથી મખ્લુક પર હુજ્જત (દલીલ) છે. ચોક્કસ તે તમારા દીનનો સરદાર છે, અને અમારા ઈલ્મની ટોચ છે.
(અલ-કાફી, ભાગ ૧, પેજ નં ૨૪૯, ‘ઇન્ના અન્ઝલનાહો’નું પ્રકરણ અને તેની વ્યાખ્યા)
હકીકતમાં, ખુદ અલ્લાહ, મેઅરાજમાં પવિત્ર પયગંબર (સ.અ.વ.)ને નમાઝમાં આ સૂરો પડવાનો હુકમ આપે છે:
અય મોહમ્મદ (સ.અ.વ) … સૂરએ ઇન્ના અન્ઝલનાહને પડો, કારણ કે તે તમારા અને તમારા એહલેબૈત (અ.મુ.સ.) સાથે કયામતના દિવસ સુધી જોડાયેલ છે.
- અલ-કાફી, ભાગ ૩, પેજ નં ૪૮૨-૪૮૬
- એલલુશ્શરાએહ, ભાગ ૨, પેજ નં ૩૧૨-૩૧૬
- તાઅવીલ અલ-આયાત, પેજ નં ૭૯૨-૭૯૩
- વસાએલુશ્શીયા, ભાગ ૫, પેજ નં ૪૬૬-૪૬૮, ભાગ ૬, પેજ નં ૭૮-૭૯.
- સૂરએ ઇન્ના અન્ઝલનાહનો સુરો, પેજ નં ૪૬૬-૪૬૮, આયત ૬ પેજ નં ૭૮-૭૯
જ્યારે સુરે ઇન્ના અન્ઝલનાહ કયામત સુધી અહલેબૈત (અ.મુ.સ.) સાથે જોડાયેલો છે, ત્યારે સ્પષ્ટ છે કે અહલેબૈત (અ.મુ.સ.)માંથી એક શખ્સ હંમેશા દુનિયામાં કયામતના દિવસ સુધી મૌજુદ (અસ્તિત્વમાં) રહેશે. આજના ઝમાનામાં, આ શખ્સીય્ય્ત ઇમામ મહદી (અ.ત.ફ.શ.) છે.
ઝમાનાના ઇમામ અને લયલ્તુલ કદ્ર
સુરએ ઇન્ના અન્ઝલનાહ એક એવી રાતની વાત કરે છે જે ૧૦૦૦ રાતો કરતાં વધુ બેહતર છે. આ લય્લતુલ કદ્ર છે જે ખાસ કરીને ઝમાનાના ઇમામ માટે છે.
અમીરુલ મોઅમેનીન (અ.સ.) એ ઇબ્ને અબ્બાસને ફરમાવ્યું:
લય્લતુલ કદ્ર દર વર્ષે આવે છે અને તે રાત્રે આખા વર્ષ માટેના અમ્રો નાઝીલ થાય છે. અમ્રોની વિગતો મેળવવા માટે પયગંબર (સ.અ.વ.) પછી ઇલાહી હુજ્જતો છે.
ઇબ્ને અબ્બાસ: તેઓ કોણ છે?
ઇમામ (અ.સ.): હું અને મારા વંશજમાંથી અગિયાર વ્યક્તિઓ જે બધા ઇમામ છીએ, (મોહદ્દસુન) એવા વ્યક્તિઓ જેમની સાથે ફરિશ્તાઓ વાત કરે છે.
- અલ-કાફી ભાગ ૧ પેજ નં ૫૩૨-૫૩૩,
- અલ-ફુસુલ અલ-મોહીમ્માં ભાગ ૧ પેજ નં ૩૯૨,
- ઇસ્બાતુલ હોદા ભાગ ૨ પેજ નં ૯, ૩૧, ૮૧,
- અલ-ઇન્સાફ પેજ નં ૧૯૩,
બીજી હદીસોમાં આ પ્રમાણે જોવા મળે છે:
લય્લતુલ કદ્રમાં ફરિશ્તાઓ અને રૂહુલ કુદસ ઝમાનાના ઇમામ પર નાઝીલ થાય છે અને તેમને ઝીંદગી, રોઝી, મૃત્યુથી લઈને તેમણે જે કંઈ નોંધ્યું છે તે બધું સોપે છે.
- તફસીર અલ-કુમ્મી(ર.અ.) ભાગ ૨ પેજ નં ૪૩૧
સુરએ ઇન્ના અન્ઝલનાહ બાબતે હદીસોની સંખ્યા પરથી એ સ્પષ્ટ છે કે વર્ષના તમામ અમ્રો ઝમાનાના ઇમામ પર લય્લતુલ કદ્રમાં નાઝીલ થાય છે, અને આ કયામતના દિવસ સુધી ચાલુ રહેશે. મુસલમાનોને તેમના પક્ષપાતને અલગ રાખી ઇમામ મહદી (અ.ત.ફ.શ.) પર સંપુર્ણ થતી ઇમામતની સાંકળને સૂરએ ઇન્ના અન્ઝલનાહો સાથે જોડાયેલી માન્યતા તરીકે જોવાની ફરજ છે. દરેક ઝમાનામાં ઇમામ (અ.સ.)ના અસ્તિત્વને નકારીને, હકીકતમાં મુસલમાનો સૂરએ ઇન્ના અન્ઝલનાહને જ નકારી રહ્યા છે.
Be the first to comment