એહલેબૈત (અ.મુ.સ.)ની રિવાયતોમાં ખાસ કરીને જેના પર વિશેષ ભાર મુકાયો હોય એવી ખાસીયતોમાંથી એક છે ઈમામે ઝમાના (અ.ત.ફ.શ)ની ગૈબત.
ગૈબતના બાબતે સામાન્ય રીતે જે ત્રણ અર્થો પ્રચલિત કરવામાં આવે છે તે નીચે મુજબ છે.
- – ઈમામ (અ.ત.ફ. શ.) સામાન્ય લોકો વચ્ચે નથી રહેતા.
એવું સમજાવાય છે કે તેઓ લોકોની પહોંચથી બહાર છે, આથી કોઈ પણ વ્યક્તિ – મિત્ર કે અજાણી વ્યક્તિ– તેમને મળી શકતો નથી. દરેક માટે સ્થિતિ સમાન છે, એટલે કે કોઈને પણ ઈમામ સાથે મુલાકાત શક્ય નથી.
- – ઈમામ (અ.ત.ફ.શ.) ઇલાહી કુદરતથી સમાજમાં હાજર છે.
તેઓ ઈચ્છે ત્યારે ગૈબ (અદ્રશ્ય) થઈ શકે છે, અને લોકો તેમને જોઈ શકતા નથી. આ રીતે તેઓ કુરઆનમાં વર્ણવાયેલા ફરિશ્તા, રૂહ વગેરે જેવી ગૈબ અદ્રશ્ય મખ્લૂકાત જેવી હાજરી ધરાવે છે, જે દુનિયામાં છે હાજર છે લોકોની વચ્ચે છે પણ લોકો તેમને જોઈ શકતા નથી.
- – ઈમામ (અ.ત.ફ.શ.) સમાજમાં સામાન્ય જીવન જીવે છે.
રિવાયતો મુજબ લોકો તેમને જોઈ શકે છે, પણ ઓળખી શકતા નથી કે તેઓ ઈમામે-ઝમાના છે.
ત્રણે અર્થોની સમીક્ષા
અહી ગૈબતનો પ્રથમ અર્થ જે બયાન થયો છે તે હદીસો અને રીવાયતથી તદ્દન વિપરીત છે અને અસ્વીકાર્ય છે કારણકે ઈમામ એ અલ્લાહ તરફથી હક્ક (સાચા) હાદી (માર્ગદર્શક) છે અલ્લાહના બંદા છે અને અલ્લાહે તેમને માનવજાતના માર્ગદર્શક નિયુક્ત કર્યા છે.
આથી અઈમ્મા (અ.મુ.સ.)ની રીવાય્તોની રોશનીમાં (હદીસો પરથી) સમજાય છે કે અહી બીજો અને ત્રીજો અર્થ સાચો ગણાય છે.
એટલે કે, ઈમામ ઝમાના (અ.ત.ફ.શ.) લોકોની વચ્ચે હાજર છે અને ગૈબતમાં છે. એટલે કે એવું જર્રાય નથી કે લોકો ઈમામને મળી નથી શકતા અથવા તો ઈમામ લોકોથી ઓજલ (અલગ) છે હકીકત એ છે કે જે લોકો તેમના રસ્તા (સીરત) પર ચાલે છે અને તેમને મળવાની તમન્ના ધરાવે છે તેઓને મુલાકાત પણ આપે છે અને તેઓના માટે હાજર પણ છે પરંતુ જે લોકો તેઓનો ઇન્કાર કરે છે અથવા તેમની સાથે દુશ્મની ધરાવે છે તેઓને ઈમામ ગેરહાજર દેખાય છે.
અલ્લાહ તઆલા કુરઆન મજીદમાં ફરમાવે છે:
وَجَعَلْنَا مِن بَيْنِ أَيْدِيهِمْ سَدًّا وَمِنْ خَلْفِهِمْ سَدًّا فَأَغْشَيْنَاهُمْ فَهُمْ لَا يُبْصِرُونَ
“અને અમોએ તેમની સામે દિવાલ તથા તેમની પાછળ દિવાલ રાખી દીધી, પછી તેમને ઢાંકી દીધા, જેથી તેઓ જોતા નથી”
(સુરે યાસીન, આયત 9)
ગૈબતની તાર્કિકતા
ઇતિહાસ અને રિવાયતોના પરથી જે સાર મળે છે તે એ સ્પષ્ટ છે કે અલ્લાહની સુન્નત દરેક કૌમમાં, ઉમ્મતમાં અને યુગોમાં એકસરખી રીતે ચાલુ રહી છે, તેમાં કોઈ ફેરફાર નથી થયો.
ભૂતકાળના લોકો તેમજ ઈતિહાસ ગવાહ છે કે ગૈબતની સુન્નતને અલગ-અલગ સ્વરૂપોમાં અનુભવેલી છે. અલ્લાહે પોતાના ઘણા હાદીઓ, પયગંબરો અને રેહનુમાંને લોકોની નજરોથી છુપાવી રાખ્યા હતા (ગૈબતમાં).
મુસ્લિમ ઉમ્મત પણ આ ઇલાહી સુન્નતથી મુક્ત નથી.તેઓને પણ આ આઝમાઈશનો સામનો કરવો પડશે અને તે અલ્લાહની હુજ્જત ઈમામે ઝમાના (અ.ત.ફ.શ) ની ગેબતના સ્વરૂપે છે.
આ ગૈબતના રહસ્યો અને કારણો નીચે મુજબ છે :
૧- ઈમામ (અ.ત.ફ.શ) ની હિફાઝત માટે:
અહલે બૈત (અ.સ) ના મોહિબ્બો હંમેશા ઇમામો (અ.સ) ના ફરમાનો અને તેમના અહાદીસનું અનુસરણ કરે છે અને તેના ફરમાનો મુજબ અમલ કરે છે. તેનું કારણ એ છે કે માસૂમ ઇમામો (અ.સ) જ હકીકતમાં હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ) ના સાચા જાનીશીન છે અને દીનના વારસદાર છે.
પરંતુ, જ્યારે પણ શિયાઓએ ઇમામ (અ.સ.)ની હાજરીમાંથી લાભ મેળવવાનો પ્રયાસ કર્યો, ત્યારે દુશ્મનોએ અને ખાસ કરીને તે સમયના શાસકો તેને સહન કરી શક્યા નહીં. તેઓ બુગ્ઝ અને હસદથી ભરાયેલા હતા અને હિદાયતના આ નૂરને બુઝાવી દેવા માટે પોતાની સંપૂર્ણ શક્તિનો ઉપયોગ કરતા. આથી જ આપણે હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ) તથા તેમના પાક અહલે બૈત (અ.સ) ની રિવાયાતોમાં ઇમામે ઝમાન (અ.ત.ફ.શ) ની ગૈબત વિશે સ્પષ્ટ સમજણ જોવા મળે છે. આ રિવાયાતોમાં જણાવવામાં આવ્યું છે કે ગૈબતની હિકમત ઇમામ (અ.ત.ફ.શ) ની હિફાઝત છે, કારણ કે તેમના જ વસીલાથી સમગ્ર માનવજાતને નજાત પ્રાપ્ત થવાની છે. ઇતિહાસના પાનાં ઉમવીઓ અને અબ્બાસીઓના અત્યાચાર, ગુનાઓ અને જુલ્મથી ભરેલા છે. તેમણે મુસ્લિમ દુનિયા પર કબજો જમાવ્યો, પોતાને ઇસ્લામના આગેવાનો તરીકે રજૂ કર્યા અને પોતાની રાજકીય સત્તા તથા જુલ્મના બળ પર હકીકી રેહબરો (અઈમ્મા) અને નજાત તરફ હિદાયત કરનાર ઇમામોને નાબૂદ કરવાનો ભરપૂર પ્રયાસ કર્યો.
વધુમાં, જ્યારે તેઓને જાણ થઈ કે હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ)ના અંતિમ જાનીશીન જ સમગ્ર માનવજાતના નજાત અપાવનારા, ઝાલિમ શાસકો માટે વિનાશનું કારણ, ભવ્ય મહેલોને ધરાશાયી કરનાર અને ઝાલિમોનો ખાત્મો કરનાર છે, ત્યારે તેઓએ તેમને શોધવા માટે પોતાની તમામ તાકાત અને સાધનો કામે લગાડી દીધા. પરંતુ અલ્લાહ તઆલાની મશીય્ય્ત કંઈક જુદી જ હતી. માનવજાતના નજાત અપાવનારા, ઇલાહી ઇમામતની આખરી કડી અને હઝરત રસૂલુલ્લાહ (સ.અ.વ) ની આલ (અ.મુ.સ) ના તમામ પ્રયત્નોનું પરિપૂર્ણ ફળ, ઈમામ ઝમાના (અ.ત.ફ.શ)ની હિફાઝત દરેક સંજોગોમાં થવી જરૂરી હતી.
આ ગૈબતના અનેક પાસાં અને હિકમતો છે. તેમાંની એક સ્પષ્ટ હિકમત દુશ્મનોની હરકતો અને કાવતરાઓને કારણે ઊભી થઈ. ઇલાહી હિકમતનો તકાઝો એવો હતો કે અલ્લાહની અંતિમ હુજ્જત (અ.સ)ને ગૈબતમાં રાખવામાં આવે. તેથી ઇલાહી કુદરત અને હિકમતનો અમલ થયો અને બારમા ઇમામ (અ.ત.ફ.શ) લોકોની નજરોથી પરદામાં રાખવામાં આવ્યા.
૨- નેઅમતનું મૂલ્ય સમજાવવા માટે:
ઇમામ (અ.ત.ફ.શ)ની ગૈબતની બીજી હિકમત એ હતી કે જ્યારે અગાઉના ઇમામો (અ.સ) સમાજમાં હાજર હતા, લોકો માટે લાભદાયી હતું અને તેમને હિદાયત ફરમાવતા હતા, ત્યારે તેમની હાજરી અને તેમના જીવનની મહત્તા તથા મૂલ્યને માનવજાત સાચા અર્થમાં ઓળખી શકે. કોઈપણ નેઅમતનું સાચું મૂલ્ય ત્યારે જ સમજાય છે, જ્યારે તે નેઅમત હાથમાંથી જતી રહે. જેમ આરામ અને સુખ-શાંતિની સાચી કદર તે જ વ્યક્તિ કરી શકે છે, જેણે મુશ્કેલીઓ, પરીક્ષાઓ અને કઠિન સંજોગોનો સામનો કર્યો હોય.
આથી, ઝહૂરનું ઉદાહરણ સૂર્ય અસ્ત થયા પછી અંધકારમય રાત બાદ ફરીથી તેના ઉદય સાથે આપવામાં આવ્યું છે. તેનો અર્થ એ છે કે હિદાયતનો સૂર્ય હાજર છે પરંતુ માનવજાતની નજરોથી ઓઝલ થઈ ગયો, કારણ કે તે સમયના લોકોએ ઇમામો (અ.સ) ની વિલાયત અને તેમની મહોબ્બતનું મૂલ્ય ઓળખ્યું નહોતું. તેમણે ઇમામો (અ.સ)ના ઇલ્મ, મઆરેફત અને હિકમતની ઉપેક્ષા કરી, તેને ઠુકરાવી દીધી અને એવા લોકોનો સાથ આપ્યો જેઓ તેમને ગુમરાહી અને હલાકત તરફ બોલાવતા હતા. આ જ કારણસર ઇમામ (અ.ત.ફ.શ)ની હાજરી જેવી મહાન નેઅમત તેમની પાસેથી છીનવી લેવામાં આવી, અને જ્યાં સુધી માનવજાતમાં આ નેઅમત પ્રત્યે સાચી તલબ, કદર અને ખાલિસ ઇચ્છા પેદા નહીં થાય, ત્યાં સુધી તે તેમને પાછી આપવામાં આવશે નહીં.
૩- લોકોની કસોટી (ઇમ્તેહાન) :
લોકોની કસોટી અને પરીક્ષા એ ઇમામ-એ-ઝમાના (અ.સ.) ના ગૈબતમાં જવા પાછળના રહસ્યોમાંથી એક છે. આ પણ અલ્લાહની એક સુન્નત છે, જે તેના બંદાઓને વિવિધ પ્રકારની કસોટીઓમાં મૂકે છે. જે લોકો અલ્લાહ, તેના પયગંબર (સ.અ.વ.) અને ઇમામ મહ્દી (અ.ત.ફ.શ.) વિશે વર્ણન થયેલી તમામ બાબતો પર ઈમાન રાખે છે, તેઓ ગૈબતનો સમયગાળો ગમે તેટલો લાંબો થાય તો પણ અડગ રહેશે અને મક્કમતાથી કાયમ રહેશે.
૪- ગૈબતના સમયમાં લોકોના વલણમાં અને તેની માનસિકતામાં પરિવર્તન:
ઇમામ (અ.ત.ફ.શ) ના ગૈબતના રહસ્યોમાંથી એક રહસ્ય એ છે કે ગૈબતના સમયમાં લોકોના વલણમાં અને તેની માનસિકતામાં પરિવર્તન ઈચ્છે, કારણકે આપણે જોઈએ છીએ કે વિશ્વના રાષ્ટ્રો મહાન સુધારક માટે તૈયાર થવા માટે તેમની વિચારસરણી, જ્ઞાન આધાર, દ્રષ્ટિકોણ અને કાર્યની નીતિઓમાં બદલાવ લાવે છે. પરંતુ ઇમામ (અ.ત.ફ.શ)નો ઝહુર અન્ય પયગંબરો અને રસૂલો (અ.સ.)ના આગમન જેવું નહીં હોય, જ્યાં સામાન્ય પ્રણાલીઓ (રીત રીવાજ) અને જીવન જીવવાની રીતોને ધ્યાનમાં લેવામાં આવતી હતી. ઇમામ (અ.સ.) વાસ્તવિકતા અને સાર્વત્રિક સત્યોના આધારે લોકોનું માર્ગદર્શન કરશે. તે તકય્યાનો ઉપયોગ કરીને શાસન કરશે નહીં. ભલાઈનો આદેશ આપવો (અમ્ર બિલ મારૂફ) અને બુરાઈ અટકાવવી (નહ્ય અનીલ મુન્કર)ને ઇલાહી કાનુનોને જરૂરત પડશે તો કડકાઈથી લાગુ કરવામાં આવશે. પ્રશાસકો, ગવર્નરો અને સત્તાના સંબંધિત અધિકારીઓની નજીકથી ચકાસણી કરવામાં આવશે અને તેમના કાર્યો પર સવાલો ઉઠાવવામાં આવશે. આવા વાતાવરણમાં કાર્ય કરવા માટે વિચાર, આસ્થા, ચરિત્ર અને કાર્યોની શ્રેષ્ઠતાની જરૂર પડે છે જેથી કુરાની હુકમ પર આધારિત વૈશ્વિક સરકારનો રસ્તો સ્થાપિત થઈ શકે.
૫- મોઅમીન અને કાફીરની ઓળખ થાય :
ગૈબતના રહસ્યોમાંથી એક રહસ્ય એ છે કે લોકો જીવનની મુશ્કેલીઓ, કસોટીઓ અને અજમાયશોમાં પરખવામાં આવે છે, જેથી દરેક વ્યક્તિ પોતાની ધૈર્ય, અને સહનશક્તિને ઓળખી શકે. હું મારા ધર્મ અને મારા માર્ગ પર કેટલો અડગ છું?? આ પરીક્ષા સારાને ખરાબથી, મોમિનને કાફિરથી, મોમિનને મુનાફિક (દંભી) થી અને ન્યાયીને અન્યાયીથી અલગ કરી દેશે. બુરાઈ ભલાઈથી જુદી પડી જાય છે. જ્યારે મોમિનનું ઈમાન વધે છે, ત્યારે તેની શંકાઓ દૂર થઈ જાય છે અને અલ્લાહની હુજ્જત આ દુનિયા પર પૂર્ણ થઈ જાય છે.
Be the first to comment