સહાબી ઉસૈદ બિન સફ્વાન (ર.અ.) રિવાયત કરે છે કે:
“જે દિવસે અમીરૂલ મોઅમેનીન (અ.સ.)ની શહાદત થઈ, તે દિવસે (કૂફાના) લોકોમાં ભારે રુદન અને માતમ છવાઈ ગયો હતો. તે બરાબર તે દિવસ જેવો માહોલ હતો કે જ્યારે પયગંબરે ખુદા (સ.અ.વ.) આ દુનિયાથી રુખ્સત થયા હતા.”
ત્યારબાદ એક વ્યક્તિ રડતા રડતા અને “ઇન્ના લિલ્લાહે વ ઇન્ના ઇલૈહે રાજેઉન” પઢતા પઢતા આવ્યા અને કહેવા લાગ્યા કે, “આજે પયગંબરે ખુદા (સ.અ.વ.) ની ખિલાફતનું મૂળ મુન્ક્તા થઇ ગયું છે,” ત્યાં સુધી કે તે અમીરૂલ મોઅ્મિનીન (અ.સ.) ના ઘર સુધી પહોંચી ગયા.
પછી તેણે કહ્યું:
” અય અબુલ હસન! અલ્લાહ તમારા પર રહેમ ફરમાવે તમે ઇસ્લામમાં દરેક લોકોમાં સૌથી આગળ, ઈમાનની બાબતમાં સૌથી વધુ નિષ્ઠાવાન, યકીનમાં સૌથી પ્રબળ, અલ્લાહ તઆલાથી સૌથી વધુ ડરનારા, મુસીબતો પર સહન કરવામાં સૌથી મહાન, પયગંબરે ખુદા (સ.અ.વ.) ની સૌથી વધુ નિકટતા ધરાવનારા, સહાબીઓમાં સૌથી વધુ વિશ્વાસપાત્ર, મરતબા (ગુણો) માં સૌથી શ્રેષ્ઠ, સબકત (પહેલ) કરવામાં સૌથી ઉમદા, દરજ્જાઓની દ્રષ્ટિએ સૌથી ઉચ્ચ, પયગંબરે ખુદા (સ.અ.વ.) ની સૌથી નજીક, નૈતિકતા, ચરિત્ર અને કાર્યોમાં પયગંબરે ખુદા (સ.અ.વ.) સાથે સૌથી વધુ સમાનતા ધરાવનારા, દરજ્જાઓની દ્રષ્ટિએ સૌથી ઉદાર અને અલ્લાહની બારગાહમાં સૌથી શ્રેષ્ઠ હતા. અલ્લાહ તમને ઇસ્લામ, પયગંબરે ખુદા (સ.અ.વ.) અને મુસ્લિમો વતી (તમારા કાર્યો બદલ) ઉત્તમ બદલો અદા કરે.”
“જ્યારે બીજા સાથીઓ નબળાઈનો ઈઝહાર કર્યો ત્યારે તમે અડગ રહ્યા, અને જ્યારે તેઓ પાછા હટવા લાગ્યા ત્યારે તમે દ્રઢ દેખાઈ આવ્યા. જ્યારે તેઓએ આળસ બતાવી ત્યારે તમે (દુશ્મન સામે) ઊભા રહ્યા. જ્યારે અન્ય લોકો સુસ્ત અને સંકોચશીલ રહ્યા, ત્યારે તમે પયગંબરે ખુદા (સ.અ.વ.) ના માર્ગ પર અડગ રહ્યા.
તમે જ પયગંબરે ખુદા (સ.અ.વ.)ના હકીકી (સાચા) જાનશીન (ખલીફા) હતા. કપટીઓની (મુનાફીકોની) બેદીની, કાફિરોનો રોષ, ઈર્ષાળુઓનો દ્વેષ અને અત્યાચારીઓની દુશ્મનાવટ છતાં તમે પ્રભાવિત થયા વગર અડગ અને સ્થિર રહ્યા. જ્યારે અન્ય લોકો આળસની પકડમાં આવી ગયા ત્યારે તમે ઊભા થયા, જ્યારે બીજાઓ મૂંગા થઈ ગયા ત્યારે તમે (અસત્ય વિરુદ્ધ) બોલ્યા.
જ્યારે અન્ય લોકોના પગ ધરતી સાથે ચોંટી ગયા હતા (તેઓ હિંમત નહોતા કરી શકતા), ત્યારે તમે અલ્લાહના નૂરના માર્ગ પર ચાલ્યા. જો તેઓએ તમારું અનુસરણ કર્યું હોત, તો તેઓ જરૂર હિદાયત પામી હોતે. (માર્ગદર્શિત થઈ ગયા હોત)”
“તમે લોકોમાં સૌથી નમ્ર વાણીવાળા, દરજ્જાની દ્રષ્ટિએ સૌથી વિશિષ્ટ, વાણીમાં સૌથી સંયમિત (ઓછું બોલનારા), બોલવામાં સૌથી સચોટ, અભિપ્રાય આપવામાં સૌથી પરિપક્વ, રુહાની દ્રષ્ટિએ સૌથી શૂરવીર, યકીન (દ્રઢ વિશ્વાસ) માં સૌથી અડગ, કાર્યોમાં સર્વોત્તમ અને દરેક બાબતોથી સૌથી વધુ પરિચિત (જ્ઞાની) હતા.”
“અલ્લાહની કસમ! જ્યારે લોકો વિખેરાઈ ગયા ત્યારે અને ત્યારબાદ જ્યારે તેઓ (લોકો) આળસુ અને નકામા થઈ ગયા, ત્યારે તમે જ (આગળ વધનારા) હતા.
તમે મોઅ્મીનો માટે એક દયાળુ પિતા સમાન હતા. જેવી રીતે કે તેઓ તમારા પોતાના પરિવાર હતા, તમે તેમના પરથી એ ભાર ઉતારી લીધો જે તેઓ (મોઅમીનો) વહન કરવા માટે ખૂબ જ ભારે અને કષ્ટદાયક અનુભવતા હતા.
જે બાબતો તેઓએ વેડફી નાખી હતી (ખરાબ કરી નાખી હતી) તેની તમે હિફાઝત (રક્ષા) કરી, જ્યારે તેઓ એકાંત કે અસહાય થઈ ગયા ત્યારે તમે તેમનું રક્ષણ કર્યું, જ્યારે તેઓ એકઠા થયા ત્યારે તમે તેમને સહારો આપ્યો, જ્યારે તેઓ ખુશહાલ થયા ત્યારે તમે તેમને સ્વીકાર્યા અને જ્યારે તેમણે તમને તકલીફ પહોંચાડી ત્યારે તમે સબ્ર (ધૈર્ય) રાખ્યો.
તમે તમારા મકસદમાં કામ્યાબ થયા, જ્યારે તેઓ તેનાથી ભટકી ગયા. તમારા દ્વારા તેઓએ તે પ્રાપ્ત કર્યું જેની તેઓએ કલ્પના પણ નહોતી કરી.”
“તમે કાફિરો માટે એક પ્રત્યક્ષ અઝાબ (શિક્ષા) અને મોઅ્મિનો માટે વિપુલ પ્રમાણમાં રહેમત અને મહેરબાનીની વર્ષા સમાન હતા. અલ્લાહની કસમ! તમને નેઅમતો અતા કરવામાં આવી હતી, તમે અગ્રતા (ફ્ઝીલ્ત) મેળવી હતી અને ઉચ્ચ ગુણો હાસિલ કર્યા હતા.
તમારી દલીલો ક્યારેય ખૂટી નથી, તમારું દિલ ક્યારેય દિનથી ભટક્યું નહીં, તમારી દ્રષ્ટિ ક્યારેય નબળી પડી નહીં, તમે ક્યારેય ડરના કારણે ઝૂક્યા નહીં અને તમે ક્યારેય અમાનતમાં ખયાનત (વિશ્વાસઘાત) કરી નહીં.
તમે એ પર્વત જેવા હતા જેને શક્તિશાળી પવનો હલાવી શકતા નથી અને પ્રચંડ વાવાઝોડાં પણ ડામાડોળ કરી શકતા નથી. તમે એવા હતા જેવું પયગંબરે ખુદા (સ.અ.વ.) એ ફરમાવ્યું હતું, દેખાવે આપ નરમ પરંતુ અલ્લાહના કાર્યોમાં અત્યંત અડગ, વ્યક્તિત્વમાં નમ્ર, અલ્લાહ તઆલાની બારગાહમાં ઇઝ્ઝત ધરાવનાર, ધરતી પર મહાન અને મોઅ્મિનોની નજરમાં પ્રભુત્વ ધરાવનારા.
તમારામાં અવગુણનું નાનું ચિહ્ન પણ નહોતું, ન તો ક્યારેય કોઈ કલંક તમારા પર પડછાયો કરી શક્યું, અને ન તો લોભ તથા લાલસાએ ક્યારેય તમારા વ્યક્તિત્વને અપવિત્ર કર્યું. લાચાર અને અપમાનિત થયેલ વ્યક્તિઓ તમારી સમક્ષ શક્તિશાળી અને પ્રબળ બની જતા, ત્યાં સુધી કે તમે તેમનો હક તેમને પાછો અપાવતા. શક્તિશાળી અને તાકાતવર વ્યક્તિઓ તમારી સમક્ષ નબળા અને લાચાર થઈ જતા, ત્યાં સુધી કે તમે તેમની પાસેથી અન્યાયી સંપત્તિ હક્કદાર સુધી અપાવી દેતા. નજીકના અને દૂરના સગાઓ તમારી નજરમાં સમાન હતા.
તમારો વર્તાવ હક્ક પસંદ (સત્યવાદી), ઈમાનદાર અને કરુણાપૂર્ણ હતું. તમારા કલામ (વાત- ખિતાબ) તમારી હિકમત અને નિર્ણાયકતાને ઉજાગર કરતું હતું. તમારું કાર્ય તમારો સંયમ અને સત્યનિષ્ઠા દર્શાવતું હતું. તમારો અભિપ્રાય જ્ઞાન અને દ્રઢસંકલ્પ સિવાય બીજું કંઈ નહોતો.
તમે નાસ્તિકતા અને કુફ્રને જડમૂળથી ઉખેડી ફેંક્યો, તેના માર્ગની બુરાઈઓને સાફ કરી, તેની મુશ્કેલ પરિસ્થિતિઓને સરળતામાં બદલી નાખી અને આ રીતે તેની આગને ઓલવી નાખી. તમારા કારણે દીન વ્યવસ્થિત થયો અને તમારા જ કારણે ઇસ્લામ તથા મોઅ્મિનો શક્તિથી સભર થતા ગયા. તમે ઘણા આગળ નીકળી ગયા છો.
તમારા પછી, અમે અતિશય થાક અને તકલીફોથી ઘેરાઈ ગયા છીએ. તમારા પરનું દુઃખ અત્યંત પીડાદાયક છે. તમારી શહાદત આકાશોમાં એક ખૂબ જ મોટી ઘટના છે. તમારા માટેની વેદનાએ લોકોને તોડી નાખ્યા છે.
તેથી ‘અમે અલ્લાહના જ છીએ અને તેની જ તરફ પાછા ફરવાના છીએ.’ અમે અલ્લાહના નિર્ણયથી સંતુષ્ટ છીએ અને અલ્લાહના આદેશ સમક્ષ સમર્પિત છીએ. તો અલ્લાહની કસમ, મોઅ્મિનો પર ક્યારેય તમારા જેવા દુઃખ જેવું બીજું કોઈ દુઃખ નહીં આવે.
તમે મોઅ્મિનો માટે આશ્રયસ્થાન અને ઇન્કારીઓ માટે કઠોર અઝાબ સમાન હતા. તો અલ્લાહ તમને તેના પયગંબર (સ.અ.વ.) સાથે મેળવે, અને અમને તમારા તરફથી બદલાને વંચિત ન રાખે, અને તમારા પછી અમને હક્ક દિનથી ભટકાવે નહીં.”
ત્યારબાદ લોકો ચૂપ થઈ ગયા જ્યાં સુધી કે તે વ્યક્તિએ પોતાની વાત પૂરી કરી. તેઓએ પયગંબરે ખુદા (સ.અ.વ.) ના સહાબીઓ સાથે મળીને રૂદન કર્યું. પછી તેઓ કોઈ (ખાસ) વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે મળી ન શક્યા. આ વાત પરથી એવું માલુમ થાય છે કે તે વ્યક્તિ બીજા કોઈ નહીં પરંતુ હઝરત ખીઝર (અ.સ.) હતા.
(અમાલી એ સદૂક (ર.અ.) — મજલિસ 42, હદીસ 11)
Be the first to comment